અમદાવાદઃ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને છેલ્લા 24 કલાકમાં જ સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, તો કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા હાઇ-વે બંધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે એ જોતાં અતિવૃષ્ટિની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
અમદાવાદા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ
વહેલી સવારથી જ શરુ થયેલા વરસાદે અમદાવાદ શહેરને બે કલાકમાં જ ધમરોળી નાંખ્યું હતું. સવારે 9 વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને 9.30થી 10.30 સુધી ગાજવીજ અને ધડાકાઓ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં જ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
અમદાવાદ પૂર્વના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર ઉપરાંત પશ્ચિમના સેટેલાઈટ, શિવરંજની, બોપલ, શીલજ સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. એસજી હાઈવેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક વાહનોમાં પાણી ભરાઈ જતાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.
મણિનગર વિસ્તારમાં આવેલો દક્ષિણી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા સર્કલ નજીક આવેલા ખોડિયાર માતાના મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યું હતું. ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસીગ બોર્ડની સોસાયટીઓમાં ઘરના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતાં. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા હતાં. ઈસનપુરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મણિનગર જવાહર ચોક નજીક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા જોકે આ માર્ગ પર શારદાબેનની વાડીથી કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવામાં આવી હતી પરંતુ લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે પાઈપલાઈન ચાલુ ન કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો.
હજી આગામી 24 કલાક સુધી અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના મધ્ય તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વડોદરામાં 4 ઈંચ વરસાદ
વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. નિચાણવાળા વિસ્તારો વડોદરા શહેરના રાજમહેલ રોડ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા છે. વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આજવા ડેમના કેચમેન્ટ એરિયામાં 61 મિ.મી. જેટલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઇ રહ્યો છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ 212.75 ફૂટ ઉપર પહોંચી છે. અને વિશ્વામિત્રી નદીની સપાટી 12.75 ફૂટ ઉપર પહોંચી છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં 5.4 અને માંડવીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધરમપુર, આહવા , વઘઈ, વલસાડ, ખેરગામ અને સોનગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે નીચાણ વિસ્તાર સહિતના માર્ગો પર પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે.
(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)