ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જતો રહ્યો છે, જેમાં કંડલા ખાતે ચાલુ સિઝનનું સૌથી ઊંચું તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, 11 જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું છે. હવામાન વિભાગે કચ્છમાં હિટવેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પોરબંદર, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમીનું યલો એલર્ટ જાહેર થયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ડીસામાં 43.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.4 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.2 ડિગ્રી, નલિયામાં 38.6 ડિગ્રી, ભુજમાં 43 ડિગ્રી, પોરબંદરમાં 37.7 ડિગ્રી, રાજકોટમાં 43.9 ડિગ્રી, કેશોદમાં 42.1 ડિગ્રી, મહુવામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં હાલ મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં હિટવેવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી હતી, જેના કારણે થોડી રાહત મળી હતી. પરંતુ હવે લોકોને આગામી સમયમાં તીવ્ર ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
