ગુજરાતમાં માર્ચમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ, 9 જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉંચકાય રહ્યો છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે સિવિયર હિટ વેવના કારણે રેડ એલર્ટ જારી કર્યું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વરતાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગત સપ્તાહે ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આ સપ્તાહના આરંભમાં જ હવામાનમાં પલટો આવ્યો અને ગરમીનો પારો 40 ડિગ્રી એ પંહોચ્યો છે. સામાન્ય રીતે એપ્રિલ અને મેમા ગરમીનો પારો 40થી 45 ડિગ્રીની આસપાસ જોવા મળતો હોય છે. જ્યારે માર્ચ મહિનાથી તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાના એંધાણ છે. આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં સિવિયર હિટ વેવના કારણે IMDએ 9 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતોના મતે સપ્તાહના અંત સુધીમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરવાની સંભવાનાઓ સેવાય રહી છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો જોવા મળ્યો. રાજ્યમાં કચ્છ, ગાંધીનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે કચ્છના ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 40.4, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 40.9 ડિગ્રી, વડોદરા 39.8 ડિગ્રી, સુરત 41.8 ડિગ્રી, અમરેલી 40.0 ડિગ્રી,ભાવનગર 39.2 ડિગ્રી, દ્વારકા 33.6 ડિગ્રી , ઓખા 31.0 ડિગ્રી, પોરબંદર 39.2 ડિગ્રી , વેરાવળ 36.9 ડિગ્રી, નલિયામાં 40.2 ડિગ્રી , સુરેન્દ્રનગર 41.7 ડિગ્રી, મહુવા 40.4 ડિગ્રી , કેશોદ 40.8 ડિગ્રી, રાજકોટમાં 41.7 અને કંડલા 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું.