ગુજરાતમાં ઉનાળાનો કહેર વરતાય રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી સમયમાં તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરી છે. આ વચ્ચે રવિવારે 27 માર્ચના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર કરી ગયો છે. જ્યારે આજે 28 માર્ચના રોજ અમદાવાદ, ભુજ તથા રાજકોટમાં 44 ડિગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હિટવેવનો ખતરો નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભેજયુક્ત હવાને કારણે અસહ્ય વાતાવરણ રહેશે. સુરતમાં 37 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી અને દ્વારકામાં 33 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે 27 એપ્રિલના અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 44.4, સુરેન્દ્રનગરમાં 44.3, ભુજમાં 43.8, અમરેલીમાં 43.5, ડીસામાં 42.3, ગાંધીનગરમાં 40.8, વડોદરામાં 40.2, નલિયામાં 38.4, ભાવનગરમાં 37.2, કંડલામાં 36.7, જામનગરમાં 35.6, પોરબંદરમાં 35, સુરતમાં 34.2, ઓખામાં 32.8, દ્વારકામાં 32.5, વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો.
રાજકોટમાં ગરમીનો પારો સતત ઊંચો રહેતાં આરોગ્ય વિભાગે નાગરિકોને સાવધાની રાખવા સૂચન કર્યું છે. બપોરે બિનજરૂરી બહાર નીકળવું ટાળવું, ટોપી, ગોગલ્સ અને રૂમાલનો ઉપયોગ કરવો, અને દર કલાકે પાણી, છાશ કે નારિયળ પાણી પીવું જરૂરી છે. કાર્બોનેટેડ પીણાં ટાળીને લીંબુપાણી જેવાં પ્રાકૃતિક પીણા પસંદ કરવા. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ વિશેષ કાળજી રાખવી. હીટ સ્ટ્રોકનાં લક્ષણો દેખાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. બહાર કામ કરતા લોકોએ બપોરે આરામ કરી સવાર કે સાંજે કામ કરવું જોઈએ.
ગરમીમાં સ્વાસ્થ્ય જાળવવા માટે પોષણ પર ધ્યાન આપવું જરૂરી છે. ઉનાળામાં ખોરાક ઝડપથી બગડે છે, તેથી વાસી ખોરાક ટાળવો. ઘરે બનાવેલો તાજો, સાદો ખોરાક લેવો, અને દૂધની વસ્તુઓ કે ગ્રેવીવાળા ખોરાકથી દૂર રહેવું, કારણ કે તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તાજા ફળો અને શાકભાજીને પ્રાધાન્ય આપવું, અને બગડે તેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જરૂરી છે.
