રાજકોટ– હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કન્હૈયાકુમારની ત્રિપૂટીએ આજે રાજકોટના નવયુવાનોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. તેમની સંવિધાન બચાવો રેલી રાજકોટમાં યોજાઈ હતી. રેલી નીકળે તે પહેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર, અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે સંવિધાન બચાવો રેલી અંગેની માહિતી આપી અને ભાજપ સરકારની રીતિ નીતિ અને સરકાર ચલાવવાની પદ્ધતિ પર આકરા પ્રહાર કર્યા હતા.
કન્હૈયાકુમારે કહ્યું હતું કે હવે મોદી સરકાર બહુ થોડા દિવસો જ છે. ભાજપ સરકાર વિરોધીઓના અવાજને જ દબાવી દે છે. કન્હેયાકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમોએ સંવિધાન બચાવો ઝુંબેશ શરૂ કરી છે. અને નવો નારો પણ આપ્યો છેઃ જય જવાન, જય કિશાન, જય સંવિધાન… બંધારણ બચાવા માટે અમો જનસંવાદ કરીએ છે. દેશની સ્થિતી, સરકારની શું જવાબદારી, નાગરિરોના હક્કો અને ફરજોની લોકોને સમજણ આપીએ છે, અને સંવાદ સાંધીએ છે કે બંધારણ શું છે, અને તેને મજબૂત કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરીએ છીએ.
અત્યારે સરકારના લાકો ખૂબ ગભરાયેલા છે, તેઓ ખૂબ તાકાતવાળા છે, જેથી તેમના મનમાં એમ છે કે અમો ધારીએ તે બધું જ કરી શકીએ છીએ. અમે બાહુબલીના ખાનદાનથી નથી આવતાં, મને દેશદ્રોહી માનવામાં આવે છે, મારા મોસાળમાં મારા નાનાને સ્વાત્ર્ય સેનાનીનું પેન્શન મળે છે. મારો એક ભાઈ સીઆરપીએફની જોબ કરતાં શહીદ થયો છે. હું ખેડૂત પરિવારમાંથી આવું છું. આ બધુ જોતાં તેમનું કાંઈ ચાલે તેમ નથી, આથી તેઓ મને દેશદ્રોહી કહીને દુનિયામાં ઢોલ વગાડે છે, પણ તેમનો ઢોલ હવે ફાટી જવાનો છે.
મારા પર દેશદ્રોહનો આરોપ છે, તે બાબત કોર્ટમાં છે. દેશમાં જૂઠને એટલું બધુ જોરથી ચગાવે છે. અમારે તમારી 56 ઈંચની છાતી માપવાની નથી. પણ આપની 56 ઈંચની છાતી હોય તો આપ અમોને જેલમાં કેમ નાંખતા નથી. કારણ કે હાલમાં બંધારણ જીવિત છે.
હાર્દિક પટેલે કહ્યું હતું કે અમો સંવિધાન બચાવો, દેશ બચાવો પદયાત્રા યોજી છે, અને જોરદાર રીતે નીકળશે. સરકાર, પોલીસ, પ્રસાશન બધા સાથે મળીને બંધારણનું ઉલ્લંધન કરી રહ્યા છે, તેની વિરુદ્ધની અમારી લડાઈ છે. લોકશાહી દેશમાં વિરોધ કરવાનો અધિકાર તમામને છે. હાલની સરકાર દ્વારા વિરોધ કરવાનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કરાય છે. હું, જિગ્નેશ અને કન્હૈયાકુમાર પર દેશદ્રોહીના આરોપી છીએ, હજી સાબિત થયું નથી. મીડિયા પણ સત્ય બહાર લાવવા પ્રયત્ન કરે, પોલીસનો પણ સહકાર મળતો નથી. સમાજમાં જાગરૂકતા લાવવી છે, અને બંધારણ બચાવવું છે. સમાજમાં જાગૃતિ નથી, દરેકનો વિરોધ કરવાનો અધિકાર છે. બંધારણને મજબૂત કરવાની આમારી મુહિમ છે. અમે ભાજપના વિરોધી છીએ, ભારતના નહીં…
હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે સીબીઆઈ, આરબીઆઈ, સરકારના દાવા જેવું કાંઈ રહ્યું નથી, બધું જ ખોટી રીતે ચાલી રહ્યું છે. બંધારણની કલમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. માટે જ અમારે બંધારણ બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે.