ગાંધીનગરમાં કાયમી ભરતીની માગ સાથે વ્યાયામ શિક્ષકો મેદાને ઉતર્યા

ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યા હતા. ઘણી વખત રજૂઆતો કરવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા વ્યાયામ શિક્ષકો મેદાને ઉતર્યા છે. ઉનાળાના ધોમધખતા તડકામાં વ્યાયમ શિક્ષકો આંદોલન ઉપર બેઠા છે અને વધુમાં વધુ વ્યાયામ વીરોને જોડાવવાની અપીલ કરવામાં આવી હતી. વ્યાયામ શિક્ષકોના આંદોલનને યુવરાજ સિંહ જાડેજા , જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ સમર્થન આપી તેમની સાથે જોડાયા હતા.

જે બાદ પોલીસની ગાડીઓનો કાફલો આંદોલન સ્થળે પહોંચી ગયો છે અને વ્યાયમ શિક્ષકોની અટકાયતનો દૌર શરુ કર્યો છે. આંદોલનકારીઓને નેતાઓ દ્વારા શિસ્ત અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. આ આંદોલન આવતીકાલે એટલે કે તારીખ 18 માર્ચ 2025ના રોજ પણ ચાલુ રહેશે. આંદોલન થોડું ઉગ્ર બન્યું હતું જે બાદ શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

શિક્ષકોની માંગણી

વ્યાયામ શિક્ષકો પડતર માંગણીને લઈ આંદલોન પર બેઠા હતા. જેમાં પહેલી માગ એવી છે કે, ગુજરાત રાજ્યમાં  છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.  આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.

ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડીગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો, વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે.