અમદાવાદ- દરેક મનુષ્યના જીવનમાં કોઇ એક વ્યક્તિ આદર્શ હોય છે. એ વ્યક્તિ એને સારા માણસ બનાવવાની પ્રેરણા આપે છે. વ્યક્તિ જે ધંધા વ્યવસાય-રમતગમત સાથે સંકળાયેલો હોય એમાં માર્ગદર્શન લઇ આગળ નીકળે ત્યારે વિદ્યા શીખવાડનારને અવશ્ય ગુરુ માને છે. ધર્મ-અધ્યાત્મની સાથે મનુષ્ય જીવનમાં અનેક ક્ષેત્રમાં લોકો વિદ્યા શીખવાડનાર અને માર્ગદર્શન આપનારને ગુરુ માને છે. એ માર્ગદર્શકને દરવર્ષે એકવાર યાદ કરી વંદન કરે છે., એ દિવસ છે ગુરુપૂર્ણિમા. ગુરુપૂર્ણિમા મહોત્સવ એ રીતે સદગુરૂઓના પૂજનનું અલૌકિક પર્વ છે.
વિશ્વ ચેતના મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઉગમ રાજ હુંડિયાએ જરૂરી જાણકારી આપતાં જણાવ્યું કે વર્ષ 2019ની ગુરૂ પૂર્ણિમાના ભવ્ય કાર્યક્રમનું આયોજન સંતો, ભક્તો અને રાષ્ટ્ર ગૌરવના તીર્થ સ્થાન ગુજરાતના અમદાવાદ ખાતે શ્રી સિધ્ધેસ્વર બ્રહ્મર્શ્રી ગુરૂદેવ- તિરૂપતિના ભવિય સાનિધ્યમાં રવિવારના રોજ બપોરે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતુ. આ સ્થળે વિશ્વના તમામ સદ્દગુરૂઓનું સ્મરણ કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમના અધ્યક્ષ શિવલાલજી ગોયલે તમામ ધર્મપ્રેમી શ્રધ્ધાળુ ભક્તજનોને જણાવ્યું કે, શ્રી સિધ્ધેશ્વર બ્રહ્મશ્રી ગુરૂદેવ વર્તમાન યુગમાં અવતરેલા મહામાનવ છે. એમના આભામંડળમાં આવવા માત્રથી જ સકારાત્મક ઊર્જાનો વિકાસ થાય છે. સર્વોત્તમ સિધ્ધિઓથી સિધ્ધ શ્રી ગુરુદેવના સાતેય કુંડલીની અને સાતેય ચક્ર જાગૃત છે. શ્રી ગુરૂદેવે અષ્ટસિધ્ધિઓને સિધ્ધ કરી છે તથા 9 નિધિઓને પ્રાપ્ત કરીને પોતાની જાત માનવ કલ્યાણના હેતુથી સમર્પિત કરી છે કે જેથી સંસારરૂપી ભવસાગરને પાર કરીને પરિવારથી પરમાત્મા સુધીની યાત્રા સફળતાપૂર્વક થઈ શકે. ગુજરાતની ધરતી પર અમદાવાદમાં આવા સિધ્ધ પુરૂષનું સાનિધ્ય પ્રાપ્ત થાય તે સૌના માટે અહોભાગ્યની બાબત છે.
અમેરિકા અને કેનેડાની એક માસની ધર્મયાત્રા પૂર્ણ કરી શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપવા માટે શ્રી ગુરુપુર્ણિમાના પવિત્ર પ્રસંગે આજે તેઓશ્રી અમદાવાદમાં આગમન કર્યું હતું.
ગુરુશિષ્ય પરંપરાના ઉત્કર્ષ ઉત્સવના કાર્યક્રમની વધુ જાણકારી આપતાં ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજક સમિતિના સભ્ય રઘુ પારેખ અને નીલેશ બહોરાએ જણાવ્યું હતું કે આ મહિમાવંતા કાર્યક્રમનો પ્રારંભ ગુરુ સ્તુતિ અને ગુરુ-પાદ પૂજનથી કરવામાં આવ્યો. ગુરૂદેવે શ્રદ્ધાળુઓને જીવનમાં ઉપયોગી દુર્લભ પ્રાર્થનઓ, મહામાંગલિક અને દિવ્ય આશીર્વાદ આપ્યા હતા. હજારોની સંખ્યામાં હાજર રહેલાં ગુરુભકતોને ભેટીને ગુરૂદેવે આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ પ્રચાર સમિતિના અધ્યક્ષ પ્રણવભાઈ શાહ, જીતેન્દ્ર હુંડિયા અને ગૌરવ આચાર્યએ વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મહિમાવંતા કાર્યક્રમમાં ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અનેક મહાનુભવો તથા દેશવિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્ત સમુદાય આવ્યો હતો.
તસવીર અને અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ