અમદાવાદઃ અમેરિકાની પ્રતિષ્ઠિત ‘એકેડમી ઑફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સ’ દર વર્ષે હોલીવૂડમાં ફિલ્મ ક્ષેત્રે ઓસ્કાર એવોર્ડ્સ એનાયત કરે છે. આપણે માટે હરખના સમાચાર એ છે કે મૂળ ગુજરાતી એવા ફિલ્મ ડિરેક્ટર પાન નલિનને ઓસ્કારની પ્રતિષ્ઠિત ઓફિશિયલ મેમ્બરશિપ આપવામાં આવી છે.
અમરેલીના ખીજડિયાથી નીકળીને દુનિયાની ફિલ્મસૃષ્ટિમાં પંકાયેલા નલિન પંડ્યા ઉર્ફે પાન નલિન જાણીતા છે ‘સમસારા’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસેસ,’ તથા હાલની ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ (‘છેલ્લો ફિલ્મ શો’) માટે, જે અત્યારે દુનિયાના પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ ગજાવી રહી છે. આ ફિલ્મ ભારતમાં ઓક્ટોબરમાં રિલીઝ થશે.
આ પહેલાં તમિળ એક્ટર સૂર્યા, બોલીવૂડ એકટ્રેસ કાજોલ, વગેરેને ઓસ્કારની ઑફિશિયલ મેમ્બરશિપ મળી છે.‘છેલ્લો ફિલ્મ શો’ એ પ્રથમ ભારતીય ફિલ્મ છે, જેને અમેરિકન ફિલ્મ કંપની ‘સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સે’ ખરીદી છે. ગુજરાતી જ નહીં, બલકે ભારતીય સિનેમા માટે આ ગૌરવની વાત છે.
પાન નલિને કહે છે કે ઘણાં વર્ષો પહેલાં મેં એક રસ્તો પસંદ કર્યો હતો, વિકટ હતો, પણ એ રસ્તાએ આજે મને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું. મારા સિનેમામાં રસ દાખવી મને આગળ વધવા પ્રોત્સાહિત કરવા બદલ એકેડમીનો આભાર માનું છું. હું એક નવી શરૂઆત માટે ઉત્સાહિત છું. આજથી મારી એક નવી યાત્રા શરૂ થશે.