ગુજરાતને મળશે દેશનો સૌથી દરિયાઈ બ્રિજ, ફ્યૂલ અને સમયમાં થશે મોટી બચત

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટની શરૂઆત કરાવામાં આવી છે. જેમાં ગુજરાતને બે પ્રોજેક્ટ મળ્યા છે. નોંધનીય છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સુરત જવા ઈચ્છતા લોકો માટે માર્ગ સરળ બની જશે. જેનાથી હજારો રૂપિયાનું ફ્યૂલ અને સમયનો પણ બચાવ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ 316 કિ.મી. લાંબો નેશનલ હાઈવે તૈયાર કરાશે. જેમાં 248 કિ.મી. લાંબો ફોર અથવા સિક્સ લેન હાઈવે જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધીનો તૈયાર કરાશે. જ્યારે અન્ય પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી 68 કિ.મી. લાંબો ફોર અને સિક્સ લેન હાઈવે તૈયાર કરાશે. હાઈવે બનવાથી જામનગરથી માત્ર ચાર કલાકમાં અને સુરતથી માત્ર પાંચ કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ હેઠળ દરિયામાંથી દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે. આ તૈયાર થઈ જાય પછી માત્ર એક જ કલાકમાં ભાવનગરથી ભરૂચ પહોંચી શકાશે. આ પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. જે મંજૂર થતાં રોજનું લાખો લીટર ઈંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે. સૌરાષ્ટ્ર એટલે કે જામનગરથી સુરત જવા માટે  527 કિ.મી. બગોદરા કે વડોદરા થઈને જવું પડતું. પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ જામનગરથી ભરૂચનો હાઈવે તૈયાર થતા 135 કિ.મી. જેટલું અંતર ઘટશે. આ સાથે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિ.મી.નું અંતરમાં 117 કિ.મી.નો ઘટાડો થશે. જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ 627 કિ.મી. અંતરમાં 215 કિ.મી ઘટાડો થવાથી માત્ર 412 કિ.મી. જેટલું થશે. જ્યારે ભાવનગરથી સુરત જવા માટેના 357 કિ.મી. અંતરમાંથી 243 કિ.મી. અંતર ઘટી જતા માત્ર બે કલાકમાં ભાવનગરથી સુરત પહોંચી શકાશે.