ગાંધીનગર- ગાંધીનગર ખાતે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના રાજ્યસરકારના જે તે વિભાગના પ્રધાનો દ્વારા જવાબો રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં એક્વાલાઈન કંપનીને જેતે સમયના ભાવે જમીન આપી કેટલી કીમત વસૂલાઈ તેની માહિતી આપવા સાથેઉદ્યોગગૃહોને બજારભાવે જમીન અપાતી હોવાનું સરકારે જણાવ્યું હતું. સાથે જ વિધાનસભામાં બાળ મજૂરી, વૃદ્ધ પેન્શન યોજના, નલ સે જલ યોજના, બિન ખેતી ઓનલાઈન અરજી, સરસ્વતી સાધના યોજના વગેરે પ્રશ્નોના જવાબોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ઔદ્યોગિક વિકાસ અને રોજગારીના સર્જન માટે રાજ્ય સરકાર ઉદ્યોગોને બજાર ભાવે જ જમીન ફાળવે છે, આ અંતર્ગત ગાંધીનગરના કોબા ખાતે મે.એકવાલાઇન પ્રોપર્ટીઝ પ્રા.લિ.ને આઇ.ટી./આઇ.ટી.ઇ.એસ.ને ‘સેઝ પાર્ક’ સ્થાપવા માટે જે જમીન ફાળવવામાં આવી હતી તેના પેટે જે-તે સમયે પ્રતિ ચો.મી.ના રૂ.૪૭૦/-ના બજારભાવે રૂ.૧૭,૬૯,૯૩,૦૦૦ની કિંમત વસૂલ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાનસભામાં એક પ્રશ્નનો ઉત્તર પાઠવતા જણાવ્યું હતું.
‘નલ સે જલ’ યોજના
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ૨૦૨૪ સુધી ‘નલ સે જલ’ કાર્યક્રમ હેઠળ દેશના નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આંતરિક પેયજળ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં નળ જોડાણ વધારો કાર્યક્રમ માટે તા. ૩૧.૦૩.૨૦૧૮ સુધી રૂ.૪૫.૯૨ લાખના ખર્ચે બે યોજનાઓ તથા તા.૩૧.૦૩.૨૦૧૯ સુધી ૭૫ યોજનાઓ રૂ.૧૧.૫૧ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. રાજ્યમાં પીવાના પાણી માટે રૂ.૪૨૦૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
બિન ખેતી અંગે ઓનલાઇન અરજી
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, બિનખેતી ઓનલાઈન અરજીની પદ્ધતિથી અરજદારે સંબંધિત કચેરીમાં આવવાની જરૂર રહેતી નથી. કોઈ પણ સ્થળેથી ૨૪ કલાક ગમે ત્યાંથી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં પહેલા અરજીના નિકાલમાં ૧૭ દિવસનો સમય થતો હતો તે હવે ત્રણ દિવસમાં થાય છે.
ઓનલાઈનની વ્યવસ્થા ન હોય તે કલેક્ટર કચેરીના અને તાલુકાના જનસેવા કેન્દ્ર અને હેલ્થ સેન્ટરો પરથી કોઇપણ અરજદાર અરજી કરી શકે છે અને તેમાં ક્ષતિ હોય તો એસ.એમ.એસ થી જાણ કરવામાં આવે છે. રાજકોટ જીલ્લાની વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ૭૨૫ અરજીઓ આવી હતી જેમાંથી ૫૬૬ મંજૂર કરવામાં આવી છે.
વૃદ્ધ પેન્શન સહાય યોજના
રાજ્યમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ અમરેલી જિલ્લામાં તા.૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ ૨૮૮૫ અરજીઓ મળી હતી, જેમાંથી ૨૪૫૧ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ૩૪૦ જેટલી અરજીઓ નિયત વય ન ધરાવતા, બી.પી.એલ. યાદીમાં ન હોવાથી, જે તે સ્થળે ન રહેતા હોવાથી અને અવસાન થવાથી નામંજૂર કરવામાં આવી છે. ગૃહમાં સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા અમરેલી જિલ્લામાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી અરજીઓ મંજૂર કરાય તે સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વર પરમારે ઉપર પ્રમાણે જણાવ્યું હતું.
રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૫૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૨૦૦ એમ કુલ ૭૫૦, જ્યારે ૮૦ વર્ષથી વધુ વયનાં વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ એમ કુલ રૂપિયા ૧૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.
રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૯૨ હજાર વૃદ્ધોને માસિક રૂપિયા ૭૫૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. અગાઉ આ સહાય પોસ્ટ ખાતા દ્વારા મનીઓર્ડરથી ચૂકવાતી હતી. જેમાં અંદાજે રૂપિયા પાંચ કરોડનું કમિશન ચૂકવાતુ હતું. હવે સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા થતી હોવાથી રાજ્ય સરકારને આ કમિશનની બચત થઈ રહી છે.
કન્યાઓને શિક્ષણ માટે ‘સરસ્વતી સાધના યોજના’
સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય પ્રધાન વાસણ આહીરે જણાવ્યું છે કે, મહેસાણા જિલ્લામાં વિકસતી જાતિની ૯૭૭૨ કન્યાઓને રૂપિયા ૩.૪૯ કરોડના ખર્ચે સાયકલ સુવિધા પુરી પડાઇ છે. વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં ‘સરસ્વતી સાધના યોજના’ના સવાલના પ્રત્યુત્તરમાં આહિરે ઉમેર્યું કે, આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી વિકસતિ જાતિની કન્યાઓ ધોરણ નવ પાસ હોવી જોઈએ. આ માટે તેના વાલીની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧.૫૦ લાખની નિયત કરાય છે. આ યોજનાનો લાભ એક જ કુટુંબની બે બહેનોને પણ આપવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
પંચમહાલ જિલ્લામાં ‘સરસ્વતી સાધના યોજના’ હેઠળ તમામ તાલુકાઓમાં રૂપિયા ૨.૯૬ કરોડના ખર્ચે ૮૨૯૨ કન્યાઓને સાયકલ સુવિધાઓ પુરી પડાય છે. આ સાઈકલની ખરીદી માટે વિભાગ દ્વારા એક કમિટીની રચના કરાય છે અને ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને જે લોઅર આવે તેને ટેન્ડર આપવામાં આવે છે. આ વર્ષે રૂપિયા ૩૫૧૬/-ના ખર્ચે એક સાઇકલની ખરીદી કરીને કન્યાઓને પૂરી પાડવામાં આવી છે.
રાજ્યમાં બાળ મજૂરી નાબૂદી
વિધાનસભા ખાતે રાજકોટ અને છોટાઉદેપુર જિલ્લામાં શ્રમ કાયદા ભંગના પ્રશ્નના પ્રત્યુત્તરમાં શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આ બંને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શ્રમ કાયદાના ભંગ માટે ૨૦૫૮ ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવી છે જે પૈકી ૭૮ એકમો કસૂરવાર જણાયા છે અને ૨૧૮ કસૂરવાર એકમો સામે એક કરતા વધુ ક્ષતિઓ જણાતા કોર્ટ કેસ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં જે ૨૧૭ કસૂરવાર જણાયાં છે, તેમની પાસેથી રૂ. ૧૨,૮૬,૫૦૦નો દંડ પણ વસૂલ કરાયો છે.