ચાઈલ્ડ ટ્રાફિકિંગનું ગુજરાત કનેક્શન, યુપીના ચંદૌલીથી લવાતાં 7 બાળકોને બચાવાયાં

ચંદૌલી: ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનોએ માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) કરીને લઈ જવાઈ રહેલાં 7 નાબાલિક બાળકોને બચાવી લીધાં છે. તમામ બાળકો ચંદૌલીના શહાબગંજ થાના વિસ્તારના રહેવાસી છે અને તેમને ગુજરાત લઈ જવામાં આવતાં હતાં. પરંતુ આરપીએફની સતર્કતાને કારણે સાત બાળકોને બચાવી લેવાયાં છે. જોકે આ દરમિયાન બાળકોને લઈ જનાર તસ્કર ફરાર થઈ ગયો છે. આરપીએફે જરૂરી કાર્યવાહી કરીને બાળકોને ચાઈલ્ડ લાઈનને સોંપી દીધાં છે.

આરપીએફને ચાઈલ્ડ લાઈન સંસ્થા મારફતે સૂચના મળી હતી કે, કેટલાક બાળકોને તસ્કરી કરીને ગુજરાત લઈ જવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ આરપીએફની ટીમ તાત્કાલિક સક્રિય થઈ અને રેલવે સ્ટેશનનું સીસીટીવી ફૂટેજ ચેક કર્યું. ટીમને પ્લેટફોર્મ નબંર ¾ પર હાવડા એન્ડ તરફ સાત બાળકો દેખાયાં. આરપીએફના જવાનો તેમની પાસે પહોંચ્યાં તો તેમને આવતા જોઈ તસ્કર ત્યાંથી ફરાર થઈ ગયો.

જવાનો બાળકોને પોલીસ સ્ટેશન લઈ ગયાં અને પૂછપરછ કરતા જાણકારી મળી કે, તમામ શહાબગંજ થાના વિસ્તારના રહેવાસી છે. અને તેમને તેમના જ વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ કામ આપવાની લાલચ આપીને ગુજરાત લઈ જઈ રહ્યો હતો. તમામ બાળકોની ઉંમર 12થી 17 વર્ષની છે. તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આરપીએફની ટીમનો દાવો છે કે, બાળકો સાથે પૂછપરછના આધાર પર જે જાણકારી મળી છે તેના આધારે તે આરોપીને જલદીથી પકડી પાડશે.

મુગલસરાય રેલવે ડિવિઝનના આરપીએફ કમાન્ડેટ આશિષ મિશ્રાનો દાવો છે કે, ડિવિઝનના તમામ સ્ટેશનો પર આરપીએફ સતર્ક છે અને ટ્રેનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ મુકવા માટે સતત ઝૂંબેશ ચાલી રહી છે.