અમદાવાદ– સરકારી નાણાંના યોગ્ય વપરાશની ચિંતા ભલા કયા ટેક્સપેયરને નથી હોતી, સરકારી નાણાંનો જનતાની સુખાકારીમાં પૂર્ણ ઉપયોગ થાય એવા નિર્ણયો થાય ત્યારે નોંધવું તો પડે. ગુજરાત એસટી નિગમના અધિકારીઓ-કર્મચારીઓના એક અલગ ઇનિશિએટિવથી લઇને પ્રવાસી જનતાને આગામી ટૂંક સમયમાં મોટો લાભ થવા જઇ રહ્યો છે.
રોજિંદા 19.62 લાખ પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને કુલ 7117 બસોના સંચાલન થકી એસટી નિગમ પરિવહન સેવા પૂરી પાડે છે. ત્યારે દર વર્ષે આશરે 1500 જેટલી બસ સમયમર્યાદા પૂર્ણ થઇ જતી હોય છે. જો તેની ઘટ પૂર્ણ ન કરાય તો જનતાને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં સરકાર વધુ ફંડ ફાળવે અને નવી બસો બહારથી મોંઘા ભાવે ખરીદી લેવામાં આવે છે. આની સામે એસટી નિગમનું પોતાનું 1200 બસબોડી બનાવી શકવાની ક્ષમતા ધરાવતું વર્કશોપ ચિંતા કરતું હતું અને વારંવાર રજૂઆતો થતી હતી કે બસબોડી બનાવવા માટે વર્કશોપનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવે. સરકારી ગ્રાન્ટનો કરકસરથી ઉપયોગ કરવાના વિચાર સાથે અદ્યતન બસબોડી બનાવવા માટે શું થઇ શકે તેના સલાહસૂચનો માટે અધિકારીઓ અને કર્મચારીઓનું ઓપન હાઉસ યોજાયું. જાણવા મળ્યું કે એસટી નિગમ પાસે સ્કીલ્ડ કર્મચારીઓ છે જેમની ક્ષમતાનો ઉપયોગ કરી તમામ જરુરિયાતની બસોનું નિર્માણ વર્કશોપમાં થઇ શકે છે. એટલું જ નહીં બસબોડી ઉપરાંત સ્લીપર કોચ અને સેમીલક્ઝરી જેવી બસો પણ વર્કશોપમાં બનાવી શકાય તેમ છે. કર્મચારીઓનો ઉત્સાહ વધારતાં ઓપન હાઉસમાં નિર્ણય લેવાયો છે કે તમામ બસબોડી ઇનહાઉસ તૈયાર કરાશે.
આગામી પગલાં તરીકે મધ્યસ્થ કાર્યાલયમાં એસેમ્બલી લાઇનોની સંખ્યા બમણી કરાઇ છે. કર્મચારીઓ, ભૂતપૂર્વ અધિકારીઓનો સહયોગ લઇને અદ્યતન મશીનરી અને ટુલ્સ સુસજ્જ કરાયાં છે, યોગ્ય મટિરિયલની ખરીદી થાય તેવાં તમામ પગલાં લેવાનું શરુ કરાયું છે. જેમાં એફએસએલ ટેસ્ટિંગ, સીઆઈઆરટી ઇન્સ્પેક્શન, સીએમવીઆર રોલઓવર અને અન્ય કામગીરી કરવામાં આવી છે.બસબોડી બિલ્ડિંગમાં આ સેન્ટરને પ્રોફિટ સેન્ટર બનાવવાના આ પગલાંછી નિગમને વાર્ષિક 20 કરોડ રુપિયાની બચત થશે અને સારી ક્વોલિટીની બસોની સુવિધા આપી શકશે.
એસટી નિગમ આ કાર્યથી ભારતના 62 એસટીયુમાં સૌથી વધુ બસબોડી બનાવતું અને ઇનહાઉસ સ્લીપર કોચ બનાવતું પ્રથમ નિગમ બની જશે. એપ્રિલમાં જ કુલ 31 સ્લીપર કોચ બસો સંચાલનમાં મૂકાઇ જશે અને આગામી એક વર્ષમાં ઇનહાઉસ તૈયાર થયેલી 1825 બસ રોડ પર જનતાના લાભાર્થે દોડતી થઇ જશે. સરકારી કર્મચારીઓના ખંતને લઇને સરકારે પણ એસટી નિગમની ગ્રાન્ટ પૈકી 2325 બસોમાંથી 500 તૈયાર મીડી બસ ખરીદવા સહિત 1500 સુપર એક્સપ્રેસ અને 325 સેમીલક્ઝરી બસો માટે ચેસીસની ખરીદી કરી તેના પર બસબોડી બનાવવાની મંજૂરી આપી દીધી છે.