ગુજરાત સાયન્સ સિટીમાં 28 ફેબ્રુઆરીથી સાયન્સ કાર્નિવલ-2023

અમદાવાદઃ અત્રે ગુજરાત સાયન્સ સિટી ખાતે આગામી 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન સાયન્સ કાર્નિવલ-2023નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ ભાગ લેશે અને જ્ઞાનની સાથે મનોરંજનનો આનંદ માણશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) વિજ્ઞાનના શિક્ષણ અને પ્રસાર માટેના લોકપ્રિય અને વિસ્તૃત માધ્યમ તરીકે ઉભરી રહી છે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે વૈશ્વિક કક્ષાની વૈજ્ઞાનિક થીમ આધારિત વિવિધ ગેલેરીઓ જેમ કે એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 3D આઈમેક્સ થિયેટર, હોલ ઓફ સ્પેસ એન્ડ સાયન્સ, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, એનર્જી એજ્યુકેશન પાર્ક, લાઇફ સાયન્સ પાર્ક અને ઘણુ બધું છે.

વિવિધ ગેલેરીઓ તમામ વયના લોકોને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવા સાથે યુવાઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવે છે અને તેથી જ સાયન્સ સિટી તમામ વયજુથના લોકો માટે વિશ્વ કક્ષાનું સાયન્સ ડેસ્ટિનેશન બની રહ્યું છે.

મોટા પાયે વિજ્ઞાન પ્રસરના લોકપ્રિય માધ્યમ તરીકે  GCSC દ્વારા 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2023 દરમિયાન પાંચ દિવસીય પ્રતિષ્ઠિત સાયન્સ કાર્નિવલ – ‘વિજ્ઞાન મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈજ્ઞાનિક સંસ્થાઓ, શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ, રાજ્ય અને દેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો સાથે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની શ્રેણી યોજવામાં આવશે.

સાયન્સ કાર્નિવલ-2023માં વૈજ્ઞાનિક પ્રદર્શનો, સાઉન્ડ એન્ડ લાઇટ શો, 3D રંગોલી શો, પ્લેનેટેરિયમ શો, સાયન્સ મેજિક શો, પોપ્યુલર સાયન્સ ટોક , હેન્ડ્સ-ઑન પ્રવૃત્તિઓ, વિજ્ઞાન વર્કશોપ,  આકાશ દર્શન અને વૈજ્ઞાનિક થીમ પર આધારિત પેવેલિયન માટે માર્ગદર્શક સાથેનો પ્રવાસ વગેરે કાર્યક્રમોનો સમાવેશ છે.

આ ઇવેન્ટ ઉભરતા વૈજ્ઞાનિકોને વિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દી અને વ્યવસાયિકતા વિકસાવવા માટે એક વાસ્તવિક પ્લેટફોર્મ પ્રદાન કરી શકે છે.

પાંચ દિવસ સુધી ચાલનારા આ સાયન્સ કાર્નિવલમાં 1,00,000થી વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લે એવી ધારણા છે.