અમદાવાદ– લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવવાની સાથે કોંગ્રેસ ગુજરાતની 26માંથી એક પણ બેઠક મેળવી શકી નથી. હાર બાદ કોંગ્રેસે હવે ફરી બેઠી થવાના પ્રયાસો શરુ કરી દીધા છે. જેને લઈને આગામી 2 જૂનના રોજ કોંગ્રેસના તમામ ધારાસભ્યોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ હારનું મનોમંથન કરવા તેમ જ વિધાનસભા આગામી બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનીતિ ઘડશે. આગામી વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ભીંસમાં લેવાનો પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ થયેલી સુરત આગની ઘટના પડધા રાષ્ટ્રીય સ્તરે પર પડ્યાં છે ત્યારે કોંગ્રેસ વિધાનસભાના મળનારા સત્રમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવા રણનીતિ ઘડી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભાના પરિણામ અંગે વિધાનસભા બેઠક દીઠ પણ ચર્ચા થઈ શકે છે. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અત્યારથી જ તૈયારી કરવા મુદ્દે ચર્ચા થઈ છે.