સોમાએ કરી એક્સપોર્ટ સહિતના તેલઉદ્યોગના મુદ્દાઓ માટે નાફેડમાં રજૂઆતો….

ગાંધીનગર- નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લી. નાફેડ, નવી દિલ્હી દ્વારા કૃષિભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને પુનર્જીવિત કરવા બાબતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સજય પ્રસાદે ખાદ્યતેલ ઉદ્યોગની ગુજરાતમાં વર્તમાન સ્થિતિ અને ભાવિ પડકારો વિશે સમૂહ ચિંતન કરી ખાદ્યતેલ ઉદ્યોગને વધુ મજબૂત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ વર્કશોપમાં વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભારત અને ગુજરાતમાં મગફળીના તેલ ઉદ્યોગની ઝાંખી અને પડકારો વિશે પ્રમુખ ઇન્ડીયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સ્પોર્ટ કાઉન્સીલ તેમજ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનના પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. જ્યારે ખાદ્ય તેલ અને તેલીબિયાંના આયાત અને નિકાસમાં ટેરિફ અને નોન ટેરિફ અવરોધો બાબતે એન. રમેશ, ડાયરેક્ટર, મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર દ્વારા હાલની પરીસ્થિતિ રજૂ કરેલ અને વર્કશોપમાં થતા સૂચનો ભારત સરકારમાં રજૂ કરવાની ખાતરી આપી હતી.

તેલિબિયાંના પીલાણમાં ઓછા વળતર માટે લેવાના થતા પગલાં બાબતે સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશન દ્વારા તેલ ઉત્પાદકોને વાજબી ભાવે મગફળી પીલાણનો કાચો માલ મળે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમજ તેલ ઉપભોક્તાઓને શુદ્ધ અને સારી ગુણવત્તાવાળું તેલ મળે તે માટે ઉત્પાદકો દ્વારા સકારાત્મક સૂચનો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યા. નાફેડ અને ભારત સરકારના પ્રતિનિધિ દ્વારા તેની નોંધ લઇ સકારાત્મક પગલાં લેવા માટે ભારત સરકારને ધ્યાને મુકવા ખાતરી આપી.

આ ઉપરાંત આ વર્કશોપમાં મગફળીનું તેલ અન્ય તેલની સરખામણીએ તંદુરસ્તીની દ્રષ્ટીએ સારૂં છે તે બાબત ઉપભોક્તા સુધી જવું જોઇએ તેવો સામૂહિક સુર વ્યક્ત કરાયો હતો. હાલ મગફળીના તેલનો વપરાશ ૩ ટકા થી વધારી ૭ ટકા સુધી લઇ જવામાં આવે તો તેલ ઉત્પાદકોને ફાયદો થશે તેમ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનના સભ્યો દ્વારા મંતવ્યો રજૂ થયા. તેલિબિયાંના ઘરેલુ બજારભાવો, ટેકાના ભાવો અને આંતર રાષ્ટ્રીય બજારભાવોમાં ખૂબ જ મોટું અંતર હોવાથી વિદેશ વેપારમાં મુશ્કેલી પડતી હોઇ નિકાસને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નિકાસકારોને ખાસ સહાય પેકેજ આપવા પણ આ વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી.

આ વર્કશોપમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમજ તેલ ઉદ્યોગના વિકાસમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન તથા સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે તે બાબતે ચર્ચા કરવામાં આવી. તેમજ  નાફેડના મેનેજિંગ ડીરેક્ટર હાજર રહેલ તમામ ખાનગી સ્ટેકહોલ્ડરોને ટેકાના ભાવે ખરીદીના પ્રવર્તમાન મોડેલમાં સૂચિત પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકીસ્ટ સ્કીમના અમલીકરણ માટે યોજના વિશે માહિતી આપવામાં આવી તેમજ તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]