ચોમાસુઃ 204માંથી ફ્કત 2 ડેમ સંપૂર્ણ ભરાયાં, જાણો રાજ્યમાં શી છે સ્થિતિ

ગાંધીનગર- રાજ્યમાં વ્યાપેલી વરસાદી સીસ્ટમ થકી કુલ ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો.જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભૂમિ દ્વારકા, સૂરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ જામનગરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૧૭૩ મી.મી એટલે કે સાત ઇંચ, જોડીયામાં ૧૪૬ મી.મી, કચ્છનાં માંડવી તાલુકામાં ૧૩૭ મી.મી, કપરાડામાં ૧૨૧ મી.મી, તથા ખંભાળીયામાં ૧૧૬ મી.મી, ઓલપાડમાં ૧૧૦ મી.મી અને ધ્રોલમાં ૧૦૯ મી.મી મળીને સાત તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના કુલ‌‌‌‌‌ ૩૧ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચથી સુધીનો વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડ્યો હતો. જેમાં કામરેજ, વાપી, વઘઇ, માંગરોળ(સૂરત), સુરત શહેર, હાંસોટ, મુંદ્રા, અબડાસા, માંડવી(સૂરત), ઉમરપાડા, ચોર્યાસી, અંજાર, બારડોલી, લખપત, પોરબંદર, વાંસદા, સુબીર, નખત્રાણા, વ્યારા, ઉમરગામ, સોનગઢ, ઉચ્છલ, વલસાડ, માંગરોળ(જૂનાગઢ), વિસાવદર, ધરમપુર, પલસાણા, ભેંસાણ, નેત્રંગ, સૂત્રાપાડા અને ડોલવણ તાલુકાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજ્યનાં ૨૬ તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત રાજ્યના તળીયાઝાટક થયેલાં જળાશયોમાં નવા નીરની આવક પણ નોંધાઈ છે.

જળાશયોની સ્થિતિ-૨૦૧૯

રાજયમાં સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદને પરિણામે ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાયાં છે.

  • સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા પાણી
  • ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
  • ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા

 

ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા.૩૧ જુલાઇ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૪૦.૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬,  દમણગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-રમાં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-રમાં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-રમાં ૧,૦૬૦ ક્યુસેકનો સમાવેશ થાય છે.

 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૨૩.૯૭ ટકા એટલે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.