વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી સંકલ્પ કરીને એલાન કર્યું હતું કે 2022 સુધીમાં દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિને પાકું મકાન મળી જશે. વડા પ્રધાનની આ જાહેરાત પછી જ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ બની જેમાં શહેરી અને ગ્રામીણ એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં આ યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી છે. આ યોજના અંતર્ગત દરેક રાજ્યને ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. સરકારી દાવાનું માનીએ તો ગુજરાત 2021માં જ પોતાના લક્ષ્યાંકને હાંસલ કરી લેશે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની જ વાત કરીએ તો અમલીકરણની બાબતમાં ગુજરાત દેશમાં સૌથી અગ્રેસર રાજ્યોમાં છે.
બીજા હજારો આવાસ નિર્માણાધીન
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ – અર્બન (પીએમએવાય-યુ) યોજના હેઠળ 7,21,512 મકાનોના બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પૈકી 4,21,512 બંધાઈ ચૂક્યા છે. એવું ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (શહેરી)ની વેબસાઇટ ઉપરના ડેટા કહે છે. ભારત સરકારની સમયમર્યાદાના એક વર્ષ પહેલાં એટલે 2021 સુધીમાં એ પૂર્ણ થશે. છેલ્લાં બે વર્ષમાં, ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી) અને યુએલબી (શહેરી સ્થાનિક સંસ્થાઓ) દ્વારા બીજા હજારો આવાસ નિર્માણાધીન છે. સમાંતરે જ ‘મુખ્યમંત્રી આવાસ યોજના’, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ જેવા અનેક સ્તર ઉપર સસ્તા અને પોસાય એવાં ઘરોનું નિર્માણ સરકારી ધોરણે અને સરકારની ભાગીદારી સાથે ખાનગી ડેવલપર દ્વારા પણ થઈ રહ્યું છે.
સમય અફોર્ડેબલ હાઉસિંગનો
વિશ્વભરમાં કોરોનાની મહામારી પછી તમામ વર્ગના લોકોની આવક ઉપર વ્યાપક અસર પડી છે. લોકોની આવક અને રોજગારી ઉપરની અસર પછી જાણકારોના માટે હવે પછીનો રિયલ એસ્ટેટનો સમય એ અફોર્ડેબલ હાઉસિંગનો જ હશે, કારણ કે દેશની માત્ર 11 ટકા વસતિ જ મહિને 60,000 કે એથી વધુ આવક ધરાવે છે. બાકીની 89 ટકા પ્રજા એનાથી ઓછી આવકમાં જીવનનિર્વાહ કરે છે. આજની બજાર સ્થિતિ મુજબ દરેક મોટા શહેરમાં સરેરાશ 50 ચોરસ મીટરના નાના ઘરની કિંમત સરેરાશ 30 લાખ થાય છે, જે મહત્તમ પ્રજાને પરવડે એમ જ નથી. એટલે આ પ્રજાને ઘર તો જોઈએ છે, પણ તેમને પછી એનાથી ઓછી કિંમતનાં ઘરો જ ખિસ્સાને પરવડે એમ છે. એટલે હવે જ્યારે આવકમાં ઘટાડો થયો છે ત્યારે અફોર્ડેબલ હાઉસિંગની માગ ખૂબ વધશે એવું અનુમાન છે અને મહત્તમ પુરવઠો તો સરકારી યોજનામાં પૂરો થશે.
છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસોનું નિર્માણ
વાત ગુજરાતની જ છે તો રાજ્યની લગભગ 43 ટકા વસ્તી એટલે કે બે કરોડ 60 લાખ લોકો શહેરોમાં વસે છે. રાજ્યમાં આઠ મહાનગરપાલિકા સહિત 171 જેટલી વિવિધ સ્તરની પાલિકાઓ છે અને આ તમામ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત આવરી લેવામાં આવી છે. ગુજરાતમાં અફોર્ડેબલ હાઉસિંગ એટલે કે પોસાય એવા ઘરની કામગીરી બહુ સારી રીતે ચાલે છે એવું કેન્દ્ર સરકાર પણ કહી ચૂકી છે. થોડા જ સમય પહેલાં થાનગઢમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નું લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે એ માટે રાજ્ય સરકારે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અને ‘મુખ્યમંત્રી આવાસ યોજના’માં છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા છે. દરેક માનવીને પોતાના ઘરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અને ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ આશીર્વાદરૂપ બની છે.
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની સબસિડી અને સહાય
વાત તો સાચી જ છે. શહેરોમાં જે રીતે જમીન અને મકાનની કિંમત વધી છે તેવા સમયે સરકારી યોજના અંતર્ગત બનેલાં લાખો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાનું “ઘર નું ઘર” વસાવી શક્યા છે. પીએમએવાયના ગુજરાતના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ભાવિન પટેલ ચિત્રલેખા.કોમને માહિતી આપતાં કહે છે, ગુજરાતને મળેલું ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નું લક્ષ્ય આવતા વર્ષે 2021માં પૂરું કરી દેવામાં આવશે એવી ગતિથી જ કામ ચાલે છે. અલગ-અલગ રીતે વર્ગીકૃત કરેલી યોજનાઓ છે. ગુજરાતમાં બનતી દરેક સરકારી બિલ્ડિંગમાં પર્યાવરણની જાળવણીની કાળજી લેવામાં આવે છે. તમે જે એનર્જી એફિસિયન્ટ બિલ્ડિંગની વાત કરો છો એ મુજબ જ અમારી યોજનાઓમાં કામ ચાલે છે. ઇડબલ્યુએસ (ઈકોનોમી વીકર ક્લાસ) આવાસ 30 ચોરસ મીટર સુધીના હોય છે જે છથી દસ લાખ સુધીના હોય છે, જે 5.5 લાખમાં આપવામાં આવે છે. જ્યારે બીજા 40 ચોરસ મીટરનાં મકાનો લાભાર્થીને 5.5 લાખ સુધીમાં મળે છે. સાથે જ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ની સબસિડી, સહાય પણ લાખો લોકોને મળી છે. બજારભાવ કરતાં આ મકાનો ખૂબ સસ્તાં તો છે જ પણ સાથે એમને પૂરતી સુવિદ્યા મળે એનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
ગુજરાત સરકારમાં શહેરી આવાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે, અમે બનાવતાં પહેલાં કેટલાં મકાનોની જરૂરિયાત છે એનો સર્વે કરાવ્યો છે. અમારા ધ્યાનમાં એવું આવ્યું હતું કે ભૂતકાળમાં બની ગયેલાં અનેક મકાનો અલગ-અલગ કારણસર વેચાયાં ન હતાં એટલે હવે અમે તકેદારી રાખીએ છીએ કે લાભાર્થી સુધી એ બરાબર પહોંચે. સાથે જ અફોર્ડેબલ હાઉસિંગના સ્થળની પસંદગી બાબતે પણ અમે નવા માપદંડ બનાવ્યા છે. અમે બહુ સીધો અને સાદો નિયમ બનાવ્યો છે આ ઘર એવા બનવા જોઈએ, જેમાં અંદર રહેનાર માણસને ગમવું જોઈએ. પર્યાવરણની જાળવણી અમે પૂરી તકેદારી રાખી છે, જ્યાં પણ મોટા પ્લોટ છે એમાં અમે બગીચા બનાવ્યા છે, વૃક્ષો વાવ્યાં છે અને બાળકો માટે રમવાની જગ્યા પણ રાખી છે. વડા પ્રધાનની મહત્ત્વની યોજનાઓ પૈકી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નું લક્ષ્ય અમે એક વર્ષમાં હાંસલ કરી લઈશું એવો વિશ્વાસ છે.
એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગની વાત આવે તો એની સાથે ઘરની અંદર થર્મલ કમ્ફર્ટની ચર્ચા જરૂર થાય છે. થર્મલ કમ્ફર્ટ એટલે કે ઘરની અંદર ગરમી કે ઠંડીની માત્રા બહારના વાતાવરણના અનુરૂપ રહેવી જોઈએ. એટલે કે ગરમીમાં ઠંડું અને ઠંડીમાં હૂંફાળું. મંત્રી યોગેશ પટેલ આ આખી ટેક્નિકલ વાતને બહુ સરળ કહીને સમજાવે છે, તમે બારી મોટી કરો તો આ પ્રશ્ન ખાસ્સો હલ થઈ જાય છે. ઘરમાં હવા આવે એ પસાર પણ થાય તો ઘરની અંદરનું વાતાવરણ જળવાયેલું રહે છે.
મકાનની ડિઝાઇનમાં થર્મલ કમ્ફર્ટ ખૂબ અગત્યનું
મકાનની ડિઝાઇનમાં થર્મલ કમ્ફર્ટ ખૂબ અગત્યનું છે એના સતત પક્ષધર રહેલા અને એ દિશામાં જાગૃતિ માટે અનેક સેમિનાર કરનાર દિલ્હી સ્થિત જાણીતા આર્કિટેક્ટ પ્રોફેસર અશોક લાલ કહે છે, મકાનની અંદર થર્મલ કમ્ફર્ટ આજે અત્યંત જરૂરી છે અને આવતી કાલે પણ એટલું જ જરૂરી રહેવાનું છે. થર્મલ કમ્ફર્ટને પ્રાથમિક જરૂરિયાતમાં સામેલ કરવું જોઈએ એ એટલું જરૂરી છે અને એ દિશામાં વિશ્વ કક્ષાએ ચર્ચા અને ચિંતા ચાલે છે. તકલીફ જ એ છે એક આપણી બિલ્ડિંગ ડિઝાઇન અને બાંધકામની દિશા જ ખોટી દિશામાં આગળ વધી ગઈ છે. કોઈપણ મકાનની ડિઝાઇનમાં આ ત્રણ બાબત શેડો, ઇન્સ્યુલેશન અને વેન્ટિલેશનનો બરાબર ઉપયોગ કરવામાં આવે તો સાત ટકા સુધીના તાપમાનનો ફરક પડી શકે છે.
પ્રોજેક્ટ એનર્જી એફિશિયન્ટ અને થર્મલ કમ્ફર્ટના વિચારને મૂર્ત સ્વરૂપે
પ્રોફેસર અશોક લાલે ધ ઇન્ડો-સ્વિસ એનર્જી એફિશિયન્ટ પ્રોજેક્ટ (બીપ) સાથે મળીને ગુજરાતમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા આદર્શ સ્માર્ટ ઘર-3ની ડિઝાઇનમાં સહયોગ કર્યો હતો. રાજકોટનો આ પ્રોજેક્ટ એનર્જી એફિશિયન્ટ અને થર્મલ કમ્ફર્ટના વિચારને મૂર્ત સ્વરૂપે સાકાર કરવામાં આવ્યો છે. રાજકોટના આ ઘર ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત બન્યા છે, પરંતુ એની ડિઝાઇન માટે બીપ દ્વારા ટેક્નિકલ સહયોગ પૂરું પાડવામાં આવ્યું હતું. અલબત્ત, રાજકોટના આ ઘર આ વિચારને અપનાવનાર પ્રથમ પૈકીના છે. એક વખતના ટેક્નિકલ સહયોગ પછીની સફળતાને જોઈને રાજકોટ સહિત ગુજરાતનાં અનેક શહેરોઆ એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગ તરફ વળ્યાં છે અને સરકારી યોજના અંતર્ગત બનતા ઘર એને અપનાવી રહ્યા છે. બદલાતા વાતાવરણ અને બદલાતા અર્થતંત્રમાં સ્વસ્થ અને સસ્તાં ઘર જ જરૂરિયાત છે અને માર્કેટ એ જ દિશામાં આગળ પણ વધી રહ્યું છે.
(ફયસલ બકીલી)
(આ લેખ સીએમસ (CMS – સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ) અને બીપ (BEEP – ઈન્ડો-સ્વિસ બિલ્ડિંગ એનર્જી એફિશિયન્ટ પ્રોજેક્ટ) ફેલોશિપ અંતર્ગત લખવામાં આવ્યો છે)
