ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસિડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોને હવે આ ૪ લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળતો થશે.
મુખ્યપ્રધાન સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ ૧ ડિસેમ્બર-ર૦૧૮થી અને અન્ય વિસ્તારોમાં ૧ જાન્યુઆરી-ર૦૧૯થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી.
હવે ૧ લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ ૪ લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.
રાજ્યના ૪૭ લાખ જેટલા પરિવારોને આનો લાભ મળશે.
અન્ન, પૂરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને ઉજજવલા યોજના-એકસપાંડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજનાનો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ રૂપે વધારાના જથ્થા તરીકે મળતું થાય તેવા હેતુથી આ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં ધૂમાડામુકત, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી પ્રેરક બળતણ સુવિધા મળે તે હેતુથી પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો વ્યાપ ગેસ જોડાણ વિનાના તમામ પરિવારો સુધી વિસ્તારવાનો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો ઉદાત્ત અભિગમ છે.