ગાંધીનગરઃ ગુજરાતમાં ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ વેકેશન રદ કરવા માટે શિક્ષણસમિતિએ રાજ્ય સરકારને ભલામણ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી શકે છે.
આ વિશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે, નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી છે. જોકે આ દરખાસ્ત ઉપર સોમવારે બેઠક થયા બાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે. નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
મહત્વનું છે કે નવરાત્રિના દિવસો દરમિયાન જ્યારે શાળાઓમાં વેકેશનની જાહેરાત કરાઈ હતી. ત્યારથી જ આ વેકેશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ઘણાં સ્થળોએ નવરાત્રિમાં વેકેશનનો વિરોધ પણ થયો હતો. ત્યારે શિક્ષણ વિભાગ હવે ફરી નવરાત્રિનું વેકેશન રદ કરી શકે છે.સમિતિ સભ્ય પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે નવરાત્રી વેકેશન બાદ તરત જ દિવાળી વેકેશન આવતું હોવાથી એકેડેમી કેલેન્ડરમાં વેકેશન ફિટ બેસતું નથી તેથી રદ કરવા ભલામણ કરાઈ છે..
ગાંધીનગર સેકટર 22માં બોર્ડની શાળા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી પ્રકિયા શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વર્ગખંડમાં સીધી રીતે કોપી કરતા પકડાયાં હોય તેવા વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ બોર્ડના અધિકારી સહિત બોર્ડના સભ્યો હાજર હતાં. હવે આગામી 27, 28,29 મેંના રોજ પણ પરીક્ષા સમિતિની બેઠક મળશે.આગામી દિવસોમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સીસીટીવીમાં કોપી કેસ કરતા ઝડપાયેલાં વિદ્યાર્થીઓની સુનાવણી યોજાશે, અને દોષી જણાશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.