ગાંધીનગર-ઊનાળો પ્રખર બની ગયો છે ત્યાં રાજ્યમાં પાણીપાણીના પોકાર વ્યાપી રહ્યાં છે. ગત ચોમાસુ પણ નબળું હતું તેવામાં પાણીની તંગીના એંધાણ વચ્ચે સરકાર દ્વારા ઊનાળામાં પાણીની સમસ્યા નિવારવા આયોજન કરાયું હોવાનું જણાવાયું હતું. ત્યારે આજે રાજ્યના નાયબ સીએમ નિતીન પટેલે પાણી વિતરણને લઇને કેટલાંક આયોજનો કઇ રીતે કામ કરી રહ્યાં છે તેની સ્પષ્ટતાઓ કરી હતી.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે જે ગયાં વર્ષ કરતાં દરરોજનું ૫૦ કરોડ લીટર વધારે છે. તે પૈકી ઢાંકી, માળીયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લીટર જેટલું વધારે છે. આમ, ગુજરાતમાં નર્મદા આધારિત ૮૯૧૧ ગામો, ૧૬૫ શહેરો અને ૬ મહાનગરપાલિકાઓમાં નર્મદાના પાણી આપવામાં આવે છે.
ગત વર્ષની સરખામણીમાં જ્યાં ઓછો વરસાદ થયો છે તેવા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જીલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થઇ હતી., જેની લીધે પાતાળ કૂવાઓ પણ ઓછા રીચાર્જ થયા છે. ઉપરોક્ત કારણોસર રાજ્ય સરકારે પીવાના પાણી માટે નર્મદા નહેરની માળીયા અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે મુજબ હાલ પણ બંને બ્રાંચ કેનાલો ચાલુ છે જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ છે. પોરબંદર જિલ્લાના ફોદાળા ડેમમાં હાલ નહિવત પાણી છે. આ ડેમમાંથી પોરબંદર શહેરને અને જુથ યોજનાઓને ૨ કરોડ લીટર જથ્થો પુરો પાડવામાં આવે છે. આ ઘટંને પુરી કરવા હેતુસર રાજ્ય સરકારે રૂ.૧૨૦ કરોડની ૬૪ કિ.મી. લાંબી ઉપલેટાથી રાણાવાવ પાઇપલાઇનના કામો મંજૂર કરેલ. આ કામો યુદ્ધના ધોરણે પુરા કરવામાં આવેલ અને પાણી પુરવઠો રાણાવાવ સુધી પહોંચાડવામાં આવેલ છે. આગામી બે દિવસમાં આનુષાંગિક કામો પુરા કરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પોરબંદરને પાણી પુરું પાડવામાં આવશે.
તો દેવભુમિદ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારો માટે કાલાવડ પાસેના પાંચ દેવડા હેડવર્ક્સથી નોંધપાત્ર વધારો કરી ૧૩૦ એમ.એલ.ડી સુધી પાણી પુરુ પાડવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ગત વર્ષે ૨૭ કરોડ લીટર પાણી નર્મદા તેમજ ટપ્પર ડેમ દ્વારા પુરુ પાડવામાં આવતું હતું જેની સામે હાલ ૩૨ કરોડ લીટરથી વધારે પાણી પુરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે અંજારથી ભૂજના કુકમા સુધી કચ્છ જિલ્લાની પાઇપલાઇનના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ભૂજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારોમાં અત્યાર સુધી ૧૦ કરોડ લીટર પાણી આપવામાં આવતું હતું હવે તે વધીને ૧૩ કરોડ લીટર થયું છે. ગઢડા મુકામની પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે નવા પંપો પણ કાર્યરત કરેલ છે, જેના દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરરોજ વધારાનું ૫ કરોડ લીટર પાણી આપવાનું શરૂ કર્યું છે. અમરેલી જિલ્લામાં પણ ચાવંડથી ૫ કરોડ લીટર પાણી અપાતું હતું જે વધારીને ૬ કરોડ લીટર કરાયું છે.
પાટણ જીલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના વિસ્તારો માટે પાઇપલાનના કામો યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાથી રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ગામો અને શહેરોની પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી હલ થશે. રાજ્યમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરું પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં મહદઅંશે વધારો થવાની શક્યતા છે. આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા “સૌની યોજના” મારફતે મચ્છુ-૨, મચ્છુ-૧, આજી-૧, ન્યારી-૧, આજી-૩, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢમાં પાણી ભરવામાં આવેલ છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે.
રાજ્યમાં ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરેલ છે, જેના કામો પ્રગતિમાં છે પરંતું લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી અમુક ગામોમાં બોરવેલ વગેરેના કામો હાથ પર લઇ શકાયેલ નથી. રાજ્ય સરકાર દ્વારા ઇલેક્શન કમિશનને આવા પ્રકારના કામો કરવા માટે અનુમતિ માંગેલ છે. ગાંધીનગર ખાતે પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે પાણી પુરવઠાની વડી કચેરીમાં ૧૯૧૬ નંબરની ટોલ – ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરત છે. રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા વિનંતી કરાઇ છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો અંગે તેઓએ આ નંબર ઉપર ફરિયાદ નોંધાવે તો ઝડપથી નિરાકરણ લાવી શકાશે.
રાજ્યના અન્ય ડેમ જેવા કે ધરોઈ, શેત્રુંજી વગેરેમાં પાણીનો જે સંગ્રહ ઉપલબ્ધ હોય તે માત્ર ગુજરાત રાજયના હિસ્સાનું હોય છે. જ્યારે, સરદાર સરોવર ડેમ આંતર રાજ્ય યોજના હોવાથી, તેમાં સંગ્રહ થયેલ પાણી માત્ર ગુજરાત રાજ્યનું નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના હિસ્સાનું તથા તદ્દઉપરાંત ડેમના નીચવાસમાં નદીમાં છોડવાનું તથા બાષ્પીભવન થનાર જથ્થાનું એમ બધું મળીને હોય છે. હાલમાં ડેમમાં પાણીનું લેવલ ૧૧૯.૫૦ મીટર છે. અને હાલનો જીંવત સંગ્રહ ૦.૯૩ મીલીયન એકર ફીટ છે. ૩૦ જુન સુધીના બાકીના સમયગાળા માટે હજુ ગુજરાતનો વણવપરાયેલ હિસ્સો ૦.૮૭ મીલીયન એકર ફીટ, રાજસ્થાનનો ૦.૦૭ મીલીયન એકર ફીટ, મહારાષ્ટ્રનો ૦.૨૦ મીલીયન એકર ફીટ, ડેમના નીચવાસમાં નદીમાં છોડવાનો જથ્થો ૦.૦૭ મીલીયન એકર ફીટ તથા બાષ્પીભવન ૦.૦૭ મીલીયન એકર ફીટ એમ કુલ જરૂરિયાત ૧.૨૮ મીલીયન એકર ફીટ છે.
હજુ પણ મધ્યપ્રદેશના ઉપરવાસના ડેમમાંથી ૦.૩૫ મીલીયન એકર ફીટ જથ્થો છોડવાનો બાકી રહે છે અને તેથી હાલમાં વધુ પડતું પાણી ઉપરવાસમાંથી છોડાતું હોવાનો કે પાણીનું લેવલ વધારે પડતું હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ગઈ સાલ તા.૨૯ એપ્રિલના રોજ ૧૦૪.૩૩ મીટર હતુ, એટલે કે IBPT (ટનલ) મારફતે પાણી લેવું પડતુ હતું અને ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ થી IBPT નો ઉપયોગ શરૂ કરેલ હતો. તેની સરખામણીએ ચાલુ સાલે પરિસ્થિતિ સારી છે. કારણકે સમગ્રપણે નર્મદા નદીનાં ગઈસાલ ૫૫% પાણી પ્રાપ્ત થયેલ જ્યારે આ સાલ ૭૯% પાણી પ્રાપ્ત થયેલ છે.જેના પરિણામે ગઈસાલ આખા વર્ષમાં કુલ ૫.૪૧ એમ.એ.એફ. પાણીનો વપરાશ થયેલ જેની સામે ચાલુ સાલે અત્યાર સુધીમાં ૬.૦૯ મીલીયન એકર ફીટ પાણી આપવામાં આવેલ છે.જે પૈકી૧.૦૪ મીલીયન એકર ફીટ પાણી પીવા / ઘરવપરાશ માટે તથા ખરીફ સિંચાઈમાં ૧.૮૦ મીલીયન એકર ફીટ તથા રવિ સિંચાઈમાં ૩.૨૦ મીલીયન એકર ફીટ પાણી આપવામાં આવેલ છે. ૩૦ જુલાઇ-૨૦૧૯ સુધીમાં પીવા/ઘરવપરાશના પાણી માટે પૂરતું આયોજન કરવામાં આવેલ છે.