અમદાવાદ- ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. કૉંગ્રેસ માટે વધુ એક ફટકો પડ્યો છે. ઠાકોર સેનાની કૉર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કૉંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાજીનામું આપે તેવા સમાચારે ખળભળાટ હતો જે સાંજ થતાં જ સત્ય સાબિત થયો છે.
કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ઠાકોર સેનાના આગેવાન અને બનાસકાંઠાથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધુ છે. દિવસભરની અટકળો બાદ આખરે અલ્પેશ ઠાકોરે એક પત્ર લખી કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
જો કે, અલ્પેશ ઠાકોરે ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી જ રાજીનામું આપ્યું છે, ધારસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી.
રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કર્યો હતો કે, પાર્ટી નાણાં ખાતર ટીકિટોનું વેચાણ કરે છે. આ સાથે જ અલ્પેશે કહ્યું હતું કે, હું કે મારો કોઈ પણ સમર્થક બીજી કોઇ પાર્ટીમાં સામેલ થશે નહીં. મેં સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મને કોંગ્રેસ પ્રભારી દ્વારા સન્માન આપવામાં આવ્યું નથી. મારી સાથે નિષ્ઠુરતાભર્યુ વર્તન કરવામાં આવ્યું.
અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું કે મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે, હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિધારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે.
સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે, મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત માટે જ આ નિર્ણય કરવો મારા માટે ખુબ જ દુઃખદાયક છે.
મારી સેનાનો આદેશ છે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઇએ જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું જેનો સહજ સ્વિકાર કરશો.
અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ ગુજરાતની 7 લોકસભા સીટ પર હવે સમીકરણો બદલાઇ શકે છે. અલ્પેશની સાથે એના બે નજીકના ધારાસભ્યો ધવલ સિંહ ઝાલા અને ભરત ઠાકોરે પણ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યાં છે.