ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. વહેલી સવારે બોર્ડની વેબસાઈટ પર gseb.org નામની વેબસાઈટ પર પરિણામ મુકાશે.
મહત્વનું છે કે આ વર્ષે કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 માં સામાન્ય પ્રવાહના 5,33,626 અને વિજ્ઞાન પ્રવાહના 1,57,604 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.
ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્ડિંગોનો સમાવેશ કરાયો હતો. બંને પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી. પરીક્ષાની કામગીરીમાં કુલ 85,000થી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યાં હતાં. આ બંન્ને પરીક્ષાઓમાં કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષાઓ અંતર્ગત એસ.એસ.સી. માટે કુલ 81 અને એચ.એસ.સી. માટે કુલ 56 ઝોનની રચના કરવામાં આવી હતી.