આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ, ક્યાંક ઉત્સાહ ક્યાંક…

અમદાવાદઃ આવતીકાલે શનિવારે 25 તારીખે ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 12 કોમર્સનું પરિણામ છે. ત્યારે રિઝલ્ટ જાહેર થતાં પહેલાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંને રીઝલ્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેને લઇને ક્યાંક ઉત્સાહ અને ચિંતા જોવા મળી રહી છે.

આપ ધોરણ-12 કોમર્સનું પરિણામ www.gseb.org પરથી પરિણામ જાણી શકશો. અને બપોર બાદ માર્કશીટ શાળામાંથી મેળવી શકશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઈસોલેટેડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 36,488 અને અમદાવાદ ગ્રામ્યમાં 24,372 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સીવાય સુરતમાં 50,885, રાજકોટમાં 30,206, બનાસકાંઠામાં 27,366 અને વડોદરામાં 21,481 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.


શાળાઓમાં સવારે 10 થી સાંજના 4 કલાક સુધી માર્કશીટનું વિતરણ પણ કરવામાં આવશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે.