સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. લોકો પોતાના માદરે વનત તહેવારોની ઉજવણી અર્થે જતા હોય છે. રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન રેસકોર્સમાં આવેલા મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય મેળાઓ પણ સૌરાષ્ટ્રમાં યોજાવાના છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો એસટીની મુસાફરીનો વધુ લાભ લેશે. કારણ કે, આ સમયે ખાનગી બસોનાં ભાડાં બમણાં થઈ જશે. જેથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ડેપોમાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેથી મજૂરવર્ગ સહિતના મુસાફરો સસ્તી અને સલામત એસટીની મુસાફરી કરી શકશે.
જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને આગળની સમયમાં 50થી વધુ એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટથી અમદાવાદ, સોમનાથ, દ્વારકા, ભુજ અને ભાવનગર એમ તમામ સ્થળોએ મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને વધારાની બસો સાતમ અને આઠમના તહેવારોમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોની જે કોઈ પણ ડિમાન્ડ છે તે અમારા સુધી પહોંચશે તો ત્યાં જતા રૂટની બસ શરૂ કરી દેવામાં આવશે. રાજકોટ શહેરમાં બાંઘકામ સાઈટ, ખાણીપીણી સહિતમાં યુપી, બિહારના લોકો કામ કરતા હોય છે. આ ઉપરાંત સોની બજારમાં બંગાળી કારીગરો કામ કરે છે તો ગોધરા-દાહોદના મજૂરો અહીં રહે છે અને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. સાથે જ અમરેલીના લોકો સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે. આ તમામ લોકો પોતાના વતન તરફ જવા માટે એસટી બસની સસ્તી સવારી કરતા હોય છે. ત્યારે આ લોકોને એસટી બસોમાં ભીડનો સામનો કરવો ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. જોકે, તેમાં મુસાફરો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવે છે.