વિકસિત ગુજરાતની દિશામાં સરકારના મજબૂત પગલાં

ગુજરાતનું બજેટ 2025-26 રાજ્યના સર્વાંગી વિકાસ માટે મજબૂત દિશા દર્શાવે છે, જે નારીશક્તિ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં મહત્વાકાંક્ષી ઘોષણાઓ સાથે રજૂ થયું છે. નારી સશક્તિકરણ માટે “સખી સાહસ યોજના”, “નમો લક્ષ્મી”, “નમો સરસ્વતી”, “લખપતિ દીદી”, અને “નમો ડ્રોન દીદી” જેવી યોજનાઓ પર ભાર મૂકાયો છે. સુરત ઇકોનોમિક રીજીયન (SER) સહિત છ ગ્રોથ હબ વિકસાવવાની યોજના, સર્વિસ સેક્ટર માટે નવી કમિશનરેટની રચના અને વિકસિત ગુજરાત 2047 માટે ₹50,000 કરોડનું ફંડ રાજ્યના ભવિષ્ય માટે દિશાસૂચક પગલાં છે. આ બજેટ વિકાસ અને સમૃદ્ધિ તરફ રાજ્યની પ્રગતિને વેગ આપે તેવું છે.

  • આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલ “નમો લક્ષ્મી યોજના” થકી 10 લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” થકી અંદાજિત 68 હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે.
  • મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹10૦ કરોડની જોગવાઇ કરું છું.
  • આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે.
  • પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ સૂચવું છું.
  • “જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4 કરોડ 45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹50 હજારથી ₹2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹2 લાખથી ₹4 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું.
  • વિવિધ વિકાસના કામોને લઈ આગામી પાંચ વર્ષ માટે ₹50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું. જે માટે આ વર્ષે ₹5000 કરોડની જોગવાઇ કરું છું.
  • રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ પર આધારીત “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)”ની સ્થાપના કરી છે. જેનો ઉદ્દેશ વિકસિત ગુજરાત 2047 માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના લક્ષ્યોને ધ્યાને લઇ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે.
  • રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું Commissionerate of Servicesની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું.
  • રાજ્યની નદીઓના પાણીનો સૂચારુ જળ સંચય થાય તથા મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રીચાર્જ થઇ શકે તે માટે 185 રીવર બેઝીનમાં ટેકનોફીઝીબીલીટી અભ્યાસ કરી એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે ₹2636 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.