ગાંધીનગર- ચોમાસા પૂર્વેની તૈયારીરુપે ખેડૂતો દ્વારા પોતાની ખેતીની ચીજવસ્તુઓની ખરીદી શરુ થઈ ગઈ છે. જેમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે મુખ્ય હોય છે. મોંઘાભાવની આ ખરીદીમાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારના ખેતીવિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.રાજ્યનો કૃષિ વિકાસ દર ઉત્તરોત્તર વધે તે માટે ખેડૂતોની મહેનત અને અધિકારીશ્રીઓની જહેમતને પગલે કૃષિ વિકાસ ક્ષેત્રે સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે. ખરીફ ઋતુની શરૂઆત થવામાં હોઈ રાજ્યના ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે છેતરાય નહીં તે માટે ખેડૂતોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે તે અંગે ખેતી નિયામક દ્વારા ખેડૂતોને જરૂરી સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ શું ખાસ કાળજી રાખવી તેની વિશેષ માહિતી આપતા ખેતી નિયામકશ્રીએે જણાવ્યું છે કે,
- જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.
- રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ/ટીન અથવા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવી તથા કોઇપણ સંજોગોમાં મુદ્દત પુરી થયેલી જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં.
- ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/સરનામા તથા તેની સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પૂરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બિલ મેળવી લેવું અને બિલમાં દર્શાવેલી વિગતોની ખરાઇ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી.
- ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયો ફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા તો નોન-એડિબલ ડી-ઓઈલ્ડ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ લખેલું ન હોય તો તેવી થેલીમાં ભરેલો પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે અને આવા પદાર્થોને ખાતર તરીકે ખરીદી ન કરવી.
- વૃદ્ધિ કારકો (ગ્રોથ હોર્મોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ બોર્ડ દ્વારા આપવામાં આવેલો તેનો સી.આઈ.બી રજિસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલો ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫° નાં ખૂણે હીરાના આકારમાં મુકેલા ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની/ચેતવણી લખેલી ન હોય તે વૃદ્ધિકારકો/જંતુનાશક દવાની બોટલ/પાઉચ/પેકેટ/થેલીમાં રહેલા વૃદ્ધિકારક/જંતુનાશક દવાની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી આવા વૃદ્ધિકારક/જંતુનાશકોની ખરીદી કોઈપણ સંજોગોમાં ન કરવી.
|
આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઈ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ), ખેતીવાડી અધિકારીશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ગ્રામસેવકનો સંપર્ક કરવા તથા આ અંગે કૃષિ ભવન ગાંધીનગરની કચેરીના ટેલીફોન નંબર ૦૭૯-૨૩૨૫૬૦૮૨ ઉપર સંપર્ક કરી કચેરી સમય દરમિયાન રજૂઆત કે ફરિયાદ કરવા રાજ્યના ખેતી નિયામકશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે.