જૂનાગઢમાં જામી રંગત, નાગા સાધુઓની ધૂણીએ શિશ ઝૂકાવવા શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

જૂનાગઢ- ગરવા ગિરનારની ગોદમાં ખુબજ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે શિવરાત્રીનો કુંભ મેળો. શિવરાત્રી મેળામાં સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી લાખો યાત્રાળુઓ ઉમટી પડયા હતાં. ગિરનાર ક્ષેત્રમાં આવેલા તમામ અન્નક્ષેત્રોમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભવનાથ મંદિરે લોકોએ ભવનાથ દાદાના દર્શન કરીને ભાવ વિભોર બન્યા હતાં. ભવનાથના માર્ગો ઉપર રાતે ચાલવાની જગ્યા ન હતી તેવો માહોલ જમ્યો હતો. અંદાજે સાડા ત્રણ લાખથી વધુ ભાવિકોનું મેળામાં આગમન થયું હતું.

મેળાની રંગત હવે ધીમે ધીમે જામી રહી છે. નાગા સાધુઓની ધૂણી ઉપર મસ્તક નમાવવા ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે.

બમ બમ ભોલેના નાદ સાથે જીવ શિવમાં લીન થયો.મેળામાં ભારતીઆશ્રમ, શેરનાથ બાપુના આશ્રમે, તેમ જ અન્ય આશ્રમોમાં સંતવાણીની રમઝટ બોલી હતી. મેળામાં આવવા માટે આજે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી હતી.

કુંભ મેળા દરમિયાન જૂનાગઢના માખીયાળા ગામની દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થાના બાળકોએ કુંભ મેળા અને ભવનાથ મંદિરમાં દર્શન કરવા આવી પહોંચ્યાં હતાં.

ભવનાથ મંદિરે આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજ, અગ્નિ અખાડા મહામન્ડલેશ્વર કૈલાશાનંદજી મહારાજ વગેરે સંતો દ્વારા આ દિવ્યાંગ બાળકોને આશીર્વાદ પાઠવી ભેટપૂજા અર્પણ કરવામાં આવી હતી.