અમદાવાદ: ગણપત યૂનિવર્સિટીનો તેરમાં પદવીદાન સમારોહ આગામી 5 જાન્યુઆરીના રોજ યોજાશે. આ પ્રસંગે મરીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે શિપ-ઈન-કેમ્પસનું પણ ઉદ્ઘાટન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવશે. નવા કેમ્પસથી મરીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને શીપ-વહાણ ઉપરની હેન્ડ્ઝ-ઓન તાલીમ અહીં જ મળી રહેશે.
પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓમાંથી ડિપ્લોમાં, ડિગ્રી, માસ્ટર અને પીએચડી કક્ષાની પરીક્ષાઓ પાસ કરી પદવી મેળવનારા કુલ 2511 યુવા છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેમાંથી એમફીલના 23 અને પીએચડીના 12 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પોતાના અભ્યાસક્રમો ટોપ રેન્ક સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 70 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પદ્મશ્રી ગણપતભાઈ પટેલ સમગ્ર સમારોહનું અધ્યક્ષ સ્થાન શોભાવશે.