ગણપત યુનિવર્સિટીએ ઘરે બેઠા ભણવાની વ્યવસ્થા કરી

ગાંધીનગરઃ વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ જોવા મળ્યા છે જેને લઈને ભારત સરકારે સાવચેતીના અને સારવારના અનેક મોટા પગલા ભર્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ 29 માર્ચ સુધી શાળા અને કોલેજો બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર ન પહોંચે એટલા માટે ગણપત યુનિવર્સિટી દ્વારા તેમના દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ ડેવલપ કરી વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ક્લાસરુમની આધુનિક સુવિધા પૂરી પાડી છે.

ગણપત યુનિવર્સિટીની એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેનેજમેન્ટ સ્ટડીઝ, કોમ્પ્યુટર એપ્લીકેશન્સ, ફાર્મસી, સોશિયલ સાયન્સ એન્ડ હયુમેનિટિઝ, સાયન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ તેમજ આર્કિટેક્ચર, ડિઝાઈન એન્ડ પ્લાનિંગ સહિતની કુલ આઠ ફેકલ્ટીનાં ચૂનંદા પ્રોફેસર્સને ખાસ તાલિમ આપીને વિદ્યાર્થીઓને ઓન-લાઈન લેકચર આપવા તેમજ ઇન્ટરએક્ટિવ સંવાદ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓને મેઈલ અને મોબાઈલ મેસેજ દ્વારા તેમના લેક્ચર્સનું ટાઇમ ટેબલ આગોતરું મોકલી દેવામાં આવે છે અને તે મુજબ ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓ લોગ-ઓન થઈ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હાજર થઈ જાય છે. વિદ્યાર્થી જયારે ઘેર બેઠાં એના મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ઉપરથી વર્ચ્યુઅલ લર્નિંગ સિસ્ટમ સાથે જોડાય ત્યારે તેના પ્રોફેસર બોલે તે તો એ સાંભળી જ શકે છે પરંતુ સાથે સાથે એમના શબ્દો સ્ક્રીન ઉપર નીચે સ્ક્રોલ સ્વરૂપે લખાતા પણ જાય છે, જેથી વિદ્યાર્થીને સાંભળવામાં કઈ ચૂક થાય તો વાંચીને પણ લેકચરને સમજી શકે છે.

આખું લેકચર રેકોર્ડ કરવાની પણ સિસ્ટેમમાં વ્યવસ્થા હોવાથી તેની લિંક વિદ્યાર્થીને મોકલીને લેકચરનો ઓડિયો પણ સુલભ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થી તેના અનુકૂળ સમયે રીવિઝન પણ કરી શકે છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમની આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને સુલભ કરાવવા માટે ગૂગલના “હેંગઆઉટ ટૂલ”નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]