અમદાવાદ- ભાવિ ટેકનોલોજી લોકોના જીવનને કેટલી હદે બદલી નાંખશે તે નિહાળવું હોય તો તમારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ – 2019 અંતર્ગત સાયન્સ સિટી ખાતે યોજાનારું વિશાળ અને અદ્યત્તન એવું ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ વિષયક પ્રદર્શનની મુલાકાત લેવી પડશે. આ ટેકનોલોજી પ્રદર્શન દેશભરમાં આગવું હશે. આ અંગે માહિતી આપતા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું આ નિદર્શન જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકાથી માહિતગાર કરશે.આગામી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ– 2019 અંતર્ગત અમદાવાદ સાયન્સ સિટી ખાતે ભવિષ્યલક્ષી (ફ્યુચરિસ્ટીક) ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ પર યોજાનારા પ્રદર્શનમાં વિશ્વની ખ્યાતનામ કંપનીઓ માઇક્રોસોફ્ટ, આઇબીએમ, ફિલીપ્સ જેવી જાણીતી ટેક કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લેશે અને તેમના દ્વારા વિકસિત કરેલા સંશોધન પ્રોજેક્ટ્સને રજુ કરશે. ઓરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, શહેરી ગિતિશીલતાના ઉપકરણો તેમજ લાઈફસ્ટાઈલ સંબંધિત ટેક ઉપકરણોમાં એપ્લિકેશન્સ ધરાવતી ભવિષ્યલક્ષી ટેકનોલોજી વિશે મુલાકાતીઓ માહિતી પ્રાપ્ત કરી શકશે.
ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં વિવિધ સ્માર્ટ ગેઝેટ્સ, જેમ કે, ઘરના તમામ ગેઝેટ્સને કંટ્રોલ કરી શકે તેવા સાધનો, સેલ્ફ-ડ્રાઈવિંગ વાહનો, ફેસિયલ અને બાયો-મેટ્રીક ઓળખ પદ્ધતિ, રોબોટ્સ અને ડ્રૉન્સને નિદર્શનમાં રાખવામાં આવશે.
મુલાકાતીઓને આ પ્રદર્શનમાં નવીન અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીને અનુભવવાની તક મળશે. જેમાં માઈક્રોસોફ્ટ હાલો લેન્સ, આઇબીએમ વાટ્સન, ગૂગલ લાઈફાઈ, એમેઝોન એલેક્સા, પાણીમાં સ્વયં ચાલે અને રીમોટની મદદથી જિંદગીને બચાવી શકાય તેવી લાઈફ સેવિંગ યુ-સેફ ટેકનોલોજી, સ્માર્ટ હોમ ઓટોમેશન, મિક્સ્ડ રિયાલિટી / ઑગમટેડ રિયાલિટી, ઈન્ડસ્ટ્રીયલ અને કસ્ટમર એપ્લિકેશનના ઉપયોગ માટે રોબોટિક, હોલોગ્રાફિક ટેક્નોલૉજી, કમ્પેનિયન રોબટ, ઈન્ડિજિનસ સ્પેસ સ્યૂટ અને સુપર કમ્પ્યુટર્સ વગેરેનો સમાવેશ થાય છે.
પ્રદર્શનના મુખ્ય આકર્ષણો
પ્રદર્શનમાં 9000 ચોરસ ફીટથી વધુ વિસ્તારમાં આવરી લેવામાં આવશે. “શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા” થીમ પર પ્રદર્શન યોજવામાં આવશે. સાયન્સ સિટી ખાતે આયોજિત પ્રદર્શનનો ઉદ્દેશ દેશના યુવાનોના મનમાં સ્પેસ સાયન્સ અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ક્ષેત્રે જિજ્ઞાશા જગાવવાનો મેક ઈન ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવા એનેરું બળ પુરું પાડશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ એડવાન્સ ટેકનોલોજીનું પણ પ્રદર્શન કરવામાં આવશે.
બિયોન્ડ પ્લેનેટ અર્થઃ ધ ફ્યુચર ઓફ સ્પેસ એક્સ્પ્લોરેશન ટાઈટલ પર સ્પેસ વિશેની માહિતી સાથે તૈયાર કરાયેલ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્લેનેટ અર્થ બિયોન્ડમાં ઇમર્સિવ એન્વાયર્નમેન્ટ્સ અને ડાયોરામાસની એક શ્રેણી છે જે આગામી 50 થી 100 વર્ષના અવકાશ સંશોધનની ઝાંખી આપે છે. સોલાર સિસ્ટમ થિયેટર, રીટર્નિંગ ટુ ધ મૂન, એસ્ટરોઇડ એક્સપ્લોરિંગ, મંગળ પર વોયેજિંગ, આઉટર સોલર સિસ્ટમ સુધી પહોંચવું અને સૂર્યમંડળની બહારના વિવિધ વિભાગો વિશે પ્રદર્શને વિભાજિત કરવામાં આવશે.
આ ઉપરાંત આ પ્રદર્શનના આકર્ષણના કેન્દ્રો તરીકે જે વિષયો રજૂ કરાશે તેમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી, ન્યુયોર્ક (amnh.org) અને ઈઝરાયલના મડાટેકઃ ઇઝરાયલ નેશનલ મ્યુઝિયમ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ સ્પેસ, હૈફાના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ સિવાય આ પ્રદર્શનમાં નાસાના ક્યુરિયોસિટી મંગળ રોવર, વોસ્ટૉક 1, સ્પુટનિક 1, મૂનબૂટ્સ, મૂન હેબિટેટએક વિસ્તૃત ચંદ્ર આવાસ અને જીવન વિશેના સ્કેલ મોડેલ્સ સાથે સજ્જ કરવામાં આવશે જે ધ્યાનાકર્ષક રહેશે.
અવકાશ સંશોધનનો ઇતિહાસ અને વિજ્ઞાન આ પ્રદર્શનમાં જોવા મળશે જેમાં 20 થી વધુ વૈજ્ઞાનિકના સંશોધનોનો સમાવેશ થાય છે, જેમાં રશિયન સ્પેસ ગ્લોવ,લાઈફ-સાઈઝ મોડલ, ડાયોરામા અને વિડિયોનો સમાવેશ થાય છે. 17 મી જાન્યુઆરીએ સ્પેસ એક્સ્પ્લોરેશન પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આગામી 11 મે સુધી પ્રદર્શન ચાલુ રહેશે.