રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે શીયાળાની ઋતુ જામી છે. દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અત્યારે અમદાવાદીઓને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજી વધારે ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વના પવન ફંકાવાના કારણે રાજ્યમાં ગુરુવારે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. રાજ્યના 13 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે જતાં લોકો થર થર ધ્રૂજી ઉઠ્યા હતા. સૌથી વધુ ઠંડી પાટનગર ગાંધીનગરમાં 11.4 ડિગ્રી નોંધાઇ હતી. કાશ્મીરમાં હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. ડિસેમ્બર અંતમાં તો હાડ થીજાવતી ઠંડી પડશે તે નક્કી વાત છે.

અમદાવાદમાં ગુરુવારે 12.4 ડિગ્રી ઠંડી નોંધાતા લોકોને સવારથી ગરમ કપડાંમાં લપેટાવાની ફરજ પડી હતી. સવારથી જ ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. તે સિવાય ડીસામાં પણ 12.4 ડિગ્રી વલસાડમાં 12.6 ડિગ્રી અમરેલીમાં 13.1 ડિગ્રી રાજકોટમાં 13.3 ડિગ્રી નલિયામાં 13 ડિગ્રી તાપાન નોંધાયું હતું.

નવસારીમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ પણ ઠંડીની આગાહી કરતા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડી રહ્યું છે. અને બીજી સિસ્ટમ એપ્રોચ કરી રહી છે. આ સંજોગોમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી નીચે ઉતરવાની આગાહી છે.

આ સંજોગોમાં ગુજરાતમાં પણ ઠંડી આવતા પાંચ દિવસ પોતાનો કહેર વર્તાવ એમ જણાઇ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પૂર્ના પવનની દિશામાં જો નહીં બદલાય તો કોલ્ડ વેવ છવાયેલો રહેશે. દક્ષિણ ગુજરાતમાં વિતેલા બે દિવસથી પ્રવર્તી રહેલી ઠંડીની સ્થિતિમાં ગુરુવાર રાત્રિ દરમિયાન વધારો નોંધાયો હતો. અને સમગ્ર પંથકમાં પારો સીધો ત્રણ ડિગ્રી નીચે ઉતરી જતાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ હતી.

રાજ્યમાં શીયાળાની ઋતુ પોતાના આગવા મીજાજમાં જામી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરના લોકોમાં અત્યારે સવારે મોર્નિંગ વોક પર જવાનો ક્રેઝ વધ્યો છે. પહેલાના સમયમાં આપણા વડવાઓ કહેતા શીયાળાની ઋતુ એટલે તંદુરસ્તી વધારવાની અને સારી બનાવવાની ઋતુ. આપણા વડવાઓ કહેતા કે શીયાળામાં જેટલા શક્ય બને તેટલા લીલા શાકભાજી સહિત પૌષ્ટીક વસ્તુઓ જેવી કે આમળા, લીમડાનો રસ, અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી વગેરે ખાઈ લેવું. કારણ કે શીયાળામાં બનાવેલી તંદુરસ્તી આખુ વર્ષ કામ લાગે છે. ત્યારે અત્યારના લોકોનો આ બધી વસ્તુ પર રસ વધી ગયો છે. અને એટલે જ અત્યારે લોકો મોર્નિંગ વોકની સાથે સવારની મસ્ત ઠંડીમાં અલગ અલગ પ્રકારના જ્યુસ પણ પીવાનું પસંદ કરતા થયા છે.