અમદાવાદઃ ગુજરાતમાં ઓટો હબ બનાવનાર દુનિયાની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓ પૈકી એક ફોર્ડ મોટર કંપની રાજ્યમાં હજી વધારે રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે દેશ અને દુનિયામાં જાણીતું બનેલું ગુજરાત હવે ઈલેકટ્રિક વાહનો મામલે પણ દુનિયામાં પોતાનું નામ રોશન કરવા જઈ રહ્યું છે. શનિવારે આ મામલે ફોર્ડ મોટર કંપની અને તેની ભારતિય સબ્સિડરી ફોર્ડ ઈન્ડિયાના ટોચના અધિકારીઓનું એક ડેલિગેશન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીને મળ્યું હતું. જેમાં તેમણે કંપનીના પ્રોડક્શન પ્લાન્ટના વિસ્તાર અંગે મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી. આ ડેલિગેશનમાં ફોર્ડના એક્ઝેક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ માર્કેટના પ્રેસિડેન્ડ જિમ ફેર્લે, ફોર્ડ ઈન્ડિયાના એમડી અનુરાગ મલ્હોત્રા તેમજ કંપનીના ટોચના અધિકારીઓ અને મુખ્યપ્રધાન ઓફિસના ટોચના અધિકારીઓ વચ્ચે આ મામલે બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન ઈન્ડસ્ટ્રી અને માઈનસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અંદાજીત 40 મીનિટ સુધી ચાલેલી આ બેઠકમાં કંપનીના અધિકારીઓએ પોતાના વિસ્તાર પ્લાન અંગે ચર્ચા કરી હતી. સુત્રો અનુસાર ફોર્ડ કંપની આગામી 3-5 વર્ષમાં ભારતમાં 1 બિલિયન ડોલર એટલે કે 70 અબજથી વધારેનું રોકાણ કરશે. ફોર્ડ કંપનીના અધિકારીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં ઉદ્યોગનીતિઓ અંગે સંતોષ વ્યક્ત કરતા વધારેમાં વધારે લોકોને રોજગાર આપવાની તૈયારી સાથે રાજ્યમાં પોતાના પ્રોડક્શન પ્લાન્ટના વિસ્તાર માટેના પ્લાન અંગે ચર્ચા કરી હતી. આ અંગે એક ઔપચારિક પ્રપોઝલ પણ ટૂંક સમયમાં કંપની તરફથી સરકારને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર FMC ના અધિકારીઓ રાજ્યસરકાર ઔદ્યોગિક નીતિમાં કોઈ ફેરફાર કરનાર છે કે નહી, તે અંગે પણ જાણકારી માંગી હતી. મહત્વનું છે કે સાણંદ ખાતે ફોર્ડનો પેસેન્જર કારનું ઉત્પાદન કરતો પ્લાન્ટ સ્થાપવામાં કંપની ગુજરાતમાં અત્યારસુધી 4000 કરોડનું રોકાણ કર્યું છે. આમાં લગભગ 2000 જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે.
ફોર્ડ ઈન્ડિયાના પ્રવક્તાએ મીડિયાને આપેલી માહિતી અનુસાર આ એક ઔપચારિક બેઠક હતી કેમ કે જીમ ગુજરાત આવ્યા હતા. અમે ભારત અને ગુજરાતના વિકાસમાં સહભાગી થવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે કંપની પોલિસી અંતર્ગત ક્યારેય અમારા ભવિષ્યના પ્લાન તેમજ રોકાણ અંગે ચર્ચા કરતા નથી. જે હશે તેની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે ફોર્ડ મોટર મહિન્દ્રા ગ્રુપ સાથે કરાર કરીને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ બનાવવા જઈ રહી છે. કંપની સાણંદના પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઈલેકટ્રિક વ્હિકલ બનાવવા માંગે છે તેવા અહેવાલ પણ સાંપડ્યા છે.