ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના ૮૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રો કર્યો હતો. અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે.
તેમણે કહ્યું કે, અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી છે. ગૃહમંત્રીએ દિપાવલીના ઉજાસ પર્વને ૪૪૩૯ થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહ મંત્રીએ ગાંધીનગર મત વિસ્તારને વિકાસ કામો થકી દેશના તમામ લોકસભા મત ક્ષેત્રોમાં ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સહિતની પાયાની સુવિધાઓ આપવાની ઝુંબેશ શરુ કરી છે. ૩ કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે એટલું જ નહિ વીજળી શૌચાલય ગેસ કનેક્શન આયુષ્ય માન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર થવાનો છે.
અમિત શાહે વિપક્ષ કોંગ્રસના સાશનમાં ૭૦ વર્ષ સુધી દેશના સામાન્ય ગરીબ માનવીને આવી પાયાની સગવડથી વંચિત રહેવું પડેલું તેની આલોચના કરતા જણાવ્યું કે, ગરીબી જેણે જોઈ હોય દુઃખ વેઠ્યું હોય તે જ ગરીબની વેદના સમજી શકે અને ગરીબ કલ્યાણના કામો ઉપાડી શકે. અને નરેન્દ્ર ભાઈએ ગરીબ કલ્યાણના કામોથી એ ગરીબોના જીવનમાં બદલાવ લાવવાનું મહત્વ કામ પૂર્ણ કર્યું છે.
૬૦ કરોડ પરિવારોને ઊજવલા યોજના અન્વયે ગેસ કનેક્શન ૧૦ કરોડ પરિવારોને શૌચાલય આપીને તેમના પારિવારિક અને વ્યક્તિગત જીવનમાં મહત્વનો બદલાવ લાવવાનું કામ નરેન્દ્ર ભાઈ મોદીની સરકારે કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહમંત્રીએ કહ્યું કે, ૨૦૧૪ થી નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં દેશમાં અર્બન ડેવલપમેન્ટ, ગ્રામીણ વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એરપોર્ટ અને બંદરો એમ દરેક ક્ષેત્રમાં વિકાસના તમામ રેકોર્ડ તોડવાનું કામ થયું છે. દેશનો દરેક ક્ષેત્રોમાં વિકાસ થયો સાથે સાથે વિશ્વ ભરમાં ભારતનું સન્માન આકાશની ઊંચાઈ સુધી પહોંચાડવાનું ગૌરવ મળ્યું છે. આ વિશ્વ સન્માન સવા સો કરોડ ભારતીયોનું ગૌરવ છે.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આજે ભારતનું સ્થાન એવું છે કે વિશ્વમાં પર્યાવરણ, આતંકવાદ, કૂટનીતિ જેવી મહત્વની બાબતોમાં ભારતના પ્રધાનમંત્રીનું શું મંતવ્ય છે તેની નોંધ લેવાય છે. સર્જીકલ સ્ટ્રાઈક એર સ્ટ્રાઈક કરીને અને આતંકવાદીઓના ઘરમાં ઘૂસી સફાયો કરવાના નિર્ણયોથી પ્રધાનમંત્રીએ ભારતની તાકાત ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે.