રાજ્યની 60 વર્ષથી ઉપરની મહિલા કેદીઓને 8 દિવસના પેરોલ

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દિવાળીના શુભ પર્વે રાજ્ય સરકારના સ્તુત્ય નિર્ણયથી નાગરીકોને વાકેફ કરતાં જણાવ્યું છે કે,  કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે તારીખ ૨૫/૧૦/૨૦૧૯ થી તારીખ ૦૧/૧૧/૨૦૧૯ સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઇને પેરોલ પર જઈ શકશે.

પ્રદીપ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે ઉક્ત નિર્ણય અનુસાર સંબંધિત સત્તાધિકારીશ્રીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે જેની અમલવારી થઇ ચૂકી છે.