અમદાવાદઃ આઈએલએનયુમાં સરહદ પાર કાનૂની દાવાઓ અંગેના ઈન્ટરનેશનલ સેમિનારનું આયોજન થયું હતું. આઈએલએનયુના સેન્ટર ફોર ઑલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યૂશન, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બીટ્રેશન, પેન સ્ટેટ ઈન્ટરનેશનલ આર્બીટ્રેશન ગ્રુપ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે મુખ્ય મહેમાન હતાં.
આ સેમિનારનો મધ્યવર્તી વિષય “મેજિક ઓફ ઈન્ટરનેશનલ આર્બીટ્રેશન” હતો. ઈન્ટરનેશનલ કોમર્શિયલ આર્બીટ્રેશન અને સમય અને નાણાંની ઘણી બધી બચત કરીને વિવાદો ઉકેલવાના તેના જાદૂ અંગે વાત કરવામાં આવી હતી.
મુખ્ય વક્તા વિલિયમ ફોક્સે તેમના પ્રવચનમાં શ્રોતાઓના સમુદાયને જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલાં જ્યારે તેમણે અમેરિકાની લૉ સ્કૂલમાંથી ડીગ્રી મેળવી ત્યારે કાનૂની આવા દાવા ખૂબ મોટી બાબત હતી, પરંતુ આજે પરિસ્થિતિમાં ભારે પરિવર્તન આવ્યું છે અને વકીલો વધુને વધુ પ્રમાણમાં કોર્ટની બહાર દાવાઓની પતાવટ કરી રહ્યા છે, કારણકે મોટાભાગના ક્લાયન્ટસ અને ખાસ કરીને ઉદ્યોગ જગતના ક્લાયન્ટસ ઝડપી અને કાર્યક્ષમ વ્યવસ્થા ઈચ્છી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ એડહોક આર્બીટ્રેશન વિકસાવવાની જરૂર છે, જેમાં વકીલ ડોક્ટરની જેમ વિચારે અને ખરેખર સમસ્યા શું છે તે જાણીને યોગ્ય ઉપાય દર્શાવે, જેથી વધુ ખર્ચ વગર ચોક્કસ સંતોષ થાય.
સેમિનારના મુખ્ય મહેમાન અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ તેમના પ્રવચનનો પ્રારંભ ભારતમાં ઈન્ટરનેશનલ કોમર્શિયલ આર્બીટ્રેશનની સ્થિતિ અંગે ચર્ચા કરીને કર્યો હતો. તેમણે જણાવ્યું કે આર્બીટ્રેશન (લવાદ) અંગે ભારતમાં માનસિકતા બદલવાની જરૂર છે, કારણકે તેની મારફતે ખૂબ સમયનો વ્યય ના થાય તે રીતે ફળદાયી પતાવટ થાય છે. સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોમાં 40 મિલિયન જેટલા કેસ પડતર છે ત્યારે આ સ્થિતિ હલ કરવા માટે 94 ટકા કેસની પતાવટ દેશની બહાર લવાદ દ્વારા થાય છે, પરંતુ અહિંયા આપણે નિવૃત્ત ન્યાયાધીશોની દયા ઉપર આધાર રાખવો પડે છે અને કેસનો નિવેડો આવતો નથી. તેમણે કહ્યું કે ત્રણ સંસ્થાઓ છે કે જે કાનૂની સંસ્થાઓ છે એમાં કાનૂન ઉદ્યોગ, સરકાર અને ઉદ્યોગ આટલી મોટી સંખ્યામાં પડતર કેસોની મોટી સંખ્યા અને આર્બીટ્રેશન નહીં થવા માટે જવાબદાર છે.
લીગલ ઈન્ડસ્ટ્રીને એટલા માટે દોષ આપી શકાય કે નિવૃત્ત ન્યાયાધીશો આર્બીટ્રેશનમાં ઘણો સમય પસાર કરે છે. સરકારને એટલા માટે દોષ આપી શકાય કે તે હજુ ઈન્ટરનેશનલ કોમર્શિયલ આર્બીટ્રેશનના સરળ અમલનો કાયદો લાવી નથી. આ ઉપરાંત ઉદ્યોગને એટલા માટે દોષ આપી શકાય કે તેમને કાનૂની પ્રક્રિયા અને મુદતો લેવાનું ગમે છે અને એ રીતે સમય પસાર કરે છે. તેમણે જણાવ્યું કે આ બાબતે માનસિકતા બદલવા માટે આઈએલએનયુએ આયોજન કર્યું છે તે પ્રકારની વધુ વર્કશોપ્સ અને સેમિનારોનું આયોજન કરવાની જરૂરી છે, જેથી કાનૂની આલમ અને આ વ્યવસાયમાં આવી રહેલા વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ કોમર્શિયલ આર્બીટ્રેશન અંગે સવેળા સમજ પ્રાપ્ત કરી શકે. આવા કેસ અટવાઈ જવાના કારણે ભારત મૂડી રોકાણ અને ટેકનોલોજીનો અભાવ અનુભવે છે.
પ્રથમ બેઠક પછી પેનલ ચર્ચાઓ શરૂ થઈ હતી, જેમાં પ્રથમ પેનલ ચર્ચાનો વિષય આર્બીટ્રેટીંગ ફરજીયાત અને નિયમનલક્ષી બાબતઃ ઈન્ટરનેશનલ કોમર્શિયલ આર્બીટ્રેશન ક્ષેત્રની બહાર શું રાખી શકાય. આ પેનલ ચર્ચના વક્તાઓમાં પ્રો. વિલિયમ ફોક્સ, યલ્લી દૌતેજ, મનોજ કુમાર, આંકાંક્ષા કુમારનો સમાવેશ થતો હતો. બીજી પેનલ ચર્ચાનો વિષય ઈન્ટરનેશનલ આર્બીટ્રેશનમાં પ્રક્રિયાઓનું વાજબીપણું અને ગુણવત્તા હતો, જ્યારે આ પેનલના વક્તાઓમાં આલોક વાજપેયી, યલ્લી દૌતેજ અને વિવેક તનવરનો સમાવેશ થતો હતો.