જ્યારે કોંગ્રેસ સામે આકરો મિજાજ દાખવતાં સીએમે કરી પ્રશ્નોની ઝડી

બારડોલી- મુખ્યપ્રધાન વિજય રુપાણી આમ તો મુદુભાષી નેતા ગણવામાં આવે છે પરંતુ બારડોલીમાં યોજાયેલાં વિજય સંકલ્પ સંમેલનમાં તેમનો કડવો મિજાજ કેવો હોય તેનો પરિચય કોંગ્રેસને થઈ ગયો હતો. રુપાણીએ કોંગ્રેસ પર આકરી ઝડી વરસાવતાં પ્રશ્નોની ઝડી વરસાવી દીધી હતી.તેમણે કહ્યું કે યુપીએના 10 વર્ષના શાસન દરમિયાન દેશમાં ચારેબાજુ હતાશા,નિરાશા છવાઇ ગઇ હતી આ તો કેન્દ્રમાં નરેન્દ્રભાઈ આવ્યા પછી દેશમાં નવી આશા જાગી અને “મોદી હૈ તો મુમકીન હૈ”તેવો વિશ્વાસ પ્રજાને થયો છે.
કેન્દ્રની યોજના મુજબ દેશની તમામ લોકસભામાં વિજય સંકલ્પ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યક્રમ અંતર્ગત સોમવારે બારડોલીના બાબેન ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યકર્તાઓને સંબોધન કરતાં રૂપાણીએ જણાવ્યું કે બારડોલી એ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે અને અહીંથી ખેડૂતો માટે જે આંદોલન થયુ હતું એ આંદોલને ફક્ત ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક નવી ક્રાંતિ સર્જી હતી અને એના પગલે જ બ્રિટીશ સલ્તનતને નમવું પડ્યું હતું. નામુમકિનને મુમકિન બનાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. અને વર્ષો પછી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈના શાસનમાં નામુમકિન મુમકીન બન્યું છે.

કોંગ્રેસના દસ વર્ષના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર, કૌભાંડ, પૉલિસી પેરાલિસિસ, આતંકવાદ સામે નરમ વલણ, તુષ્ટિકરણની રાજનીતિ, દેશ વિરોધી તત્વોને સમર્થનના પગલે દેશ હતાશા-નિરાશામાં ધકેલાઈ ગયો હતો ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો હતો દેશના લોકોમાં નિરાશા વ્યાપી ગઇ હતી ત્યારે 2014માં નરેન્દ્ર મોદીએ આ દેશની ધૂરા સંભાળી અને એમના સાડા ચાર વર્ષના લોકાભિમુખ, Nation First અને વિકાસની રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિના પગલે દેશની જનતામાં નવી આશા જાગી અને દેશની જનતાને અહેસાસ થયો કે “મોદી હૈ તો મુમકીન હૈ”
આતંકવાદ મુદ્દે કોંગ્રેસના નરમ વલણ ની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન મુંબઈની તાજ હોટલ પર હુમલો થયો હતો અને તેમાં દેશના 178 નિર્દોષ લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા તેમ છતાં પણ કોંગ્રેસે પાકિસ્તાન વિરુદ્ધ કે આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલાં ભર્યા ન હતા. કોંગ્રેસના શાસનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બોમ્બ ધડાકા થયા સુરતમાં જીવતા બોમ્બ મળી આવ્યા એ દિવસો દેશની જનતા ભૂલી નથી. “કોંગ્રેસનો હાથ હંમેશા આતંકવાદને સાથ રહ્યો છે” આજે પણ કોંગ્રેસના મણિશંકર ઐયર અને રાહુલ ગાંધીના ગુરુ શામ પિત્રોડા આજે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે..

આતંકીઓને છોડી મુકવા બાબતે સવાલ ઉભા કરનારા કૉંગ્રેસીઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે અમને સવાલ પૂછનારાઓ એ વાતનો જવાબ આપે કે,

• આતંકવાદી અફઝલ ગુરુના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપવા રાહુલ ગાંધી શા માટે ગયા હતા?
• હઝરત બાલમા આતંકીઓને બિરયાની ખવડાવીને કેટલા આતંકીઓને કાશ્મીરની સરહદ પર મૂકી આવ્યા..?
• ગુલાબ નબી આઝાદના પરિવારને બચાવવા માટે કેટલા આતંકવાદીઓને કોંગ્રેસે છોડી મૂક્યા?
• કોંગ્રેસના તત્કાલીન ગૃહપ્રધાન મુફતી મોહમ્મદ સૈયદની દીકરીને બચાવવા માટે કોંગ્રેસે કેટલા આતંકવાદીઓને છોડી મૂક્યા…?
• દિલ્હીના બાટલાહાઉસમાં જે પોલીસ જવાનો શહીદ થઈ ગયા હતા અને એમના વિરોધમાં જે સભા યોજાઇ હતી તેમાં આતંકવાદી તરફી નિવેદનો શા માટે કરવામાં આવ્યા હતા…?

મહાગઠબંધન અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, જેઓને એકબીજાના મોઢા જોવાના પણ સંબંધ નથી એવા ‘ચોર ચોર કે સરદાર’ અને લૂંટેરા ભેગા થઈને મહાગઠબંધન બનાવી રહ્યા છે, મહાગઠબંધન એ એમની મજબૂરી છે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ અને માયાવતીનો ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. મુસ્લિમોના મત લેવા માટે બંગાળના મમતા બેનરજીએ દુર્ગાપૂજા અટકાવવાનું મહાપાપ કર્યું છે. વોટબેંકની રાજનીતિ માટે આવું દુષ્કૃત્ય કરનાર મમતા બેનરજીને આ દેશની જનતા ક્યારેય માફ નહીં કરશે.

બાંગ્લાદેશી અને ઘૂસણખોરોને ભારતીય જનતા પાર્ટી દેશની બહાર કાઢવા માંગે છે, ત્યારે મમતા બેનરજીએ લોકોનો પક્ષ લઈને ભારતમાં વસાવવા માંગે છે. કોંગ્રેસ, સ.પા, બ.સ.પા, મમતા બેનર્જી, મુફ્તી સૈયદ, શેખ અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા સહિત તમામ ચોરોની દુકાનો બંધ થઈ ગઈ છે, એટલે તમામ ચોરો અને કાવતરાખોરો ભેગાં થઈને લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને હટાવવા માંગે છે. આથી જ ચૂંટણી દેશને બચાવવા અને બનાવવા માટેની ચૂંટણી છે. દેશભક્તિ વિરુદ્ધ દેશવિરોધીઓની ચૂંટણી છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં દેશ વિરોધીઓને વીણી વીણીને સાફ કરી નાંખવાની આપણી સૌની જવાબદારી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]