વાંસદાઃ આકાશવાણી ગુજરાતી સમાચારના ભૂતપૂર્વ પ્રસ્તુતકર્તા દીપક ધોળકિયાનો સન્માન સમારંભ હાલમાં જ વાંસદાના ભીનારમાં યોજાયો હતો. પાછલા બે દાયકા અગાઉ દિલ્હીથી પ્રસારિત આકાશવાણી ગુજરાતી સમાચારમાં દીપક ધોળકિયાનો અવાજ ઘેરેઘેર જાણીતો હતો. તેઓ બ્લોગલેખક, સમાજવિચારક અને સંગઠનપ્રણેતા તરીકે સક્રિય છે. તેઓ હાલમાં દક્ષિણ ગુજરાતની મુલાકાતે હતા. ભીનાર ગામમાં આગેવાન કલ્યાણજીભાઈ બી. પટેલના પ્રમુખસ્થાને યોજાયેલા ભવ્ય સત્કાર સમારોહમાં ધોળકિયાનું અભિવાદન કાજિયા ફળિયાના અગ્રણી ખેડૂત ઈશ્વરભાઈ બહાદુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ધોળકિયાએ રેડિયોના યાદગાર જમાનાનાં સંસ્મરણ તાજાં કર્યાં હતાં. એડવોકેટ રમણલાલ પી. પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પ્રખ્યાત લેખક અને ટીવી તેમ જ મંચના જાણીતા હાસ્યકલાકાર રમેશ ચાંપાનેરીએ મસ્તીની છોળો ઉડાડી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આરંભે ગ્રામવાસીઓએ પારંપારિક વાજિંત્ર તૂર-થાળી વાદન તાલ પર નૃત્ય સાથે ધોળકિયાને આવકાર્યા અને બાળાઓએ ગરબા કર્યા હતા. આ કાર્યક્રમનું સંયોજન દિલ્હીની અગ્રણી પ્રકાશન સંસ્થામાં ગુજરાતી અધિકારી અને સાહિત્યકાર તેમ જ નાટ્યકાર ભાગ્યેન્દ્ર પટેલે કર્યું હતું. કેળવણીકાર મોહનભાઈ પી. પટેલે આભારવિધિ કરી હતી.