અમદાવાદ- બંગાળની ખાડીથી ઉદભવેલું વાવાઝોડું ફોની ઓડિશાને ઘમરોળી ઉત્તરપૂર્વ તરફ બંગાળ અને તેથી આગળ વધી નેપાલ સહિતના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એ તરફની કુલ 223 ટ્રેનો રદ થઈ છે અને કોલકાતા એરપોર્ટને પણ બંધ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઇને ગુજરાતથી આ વિસ્તારોમાં જઈ રહેલાં પ્રવાસીઓ પર અસર પડી છે. ફોનીથી પુરી,ઓડિશા,વિશાખાપટનમ, પશ્ચિમ બંગાળ, ચેન્નઇ તરફની આશરે 1500 ટૂર રદ કરવામાં આવી છે.
અત્યંત ઝડપી પવન અને વરસાદ સાથે ફોની વાવાઝોડુંથી ઓડિશાના 10 હજારથી વધુ ગામડાં અને 50 નાના ટાઉનને સૌથી માઠી અસર પહોંચી છે. આ સંકટના સમયે ગુજરાતથી 5 એનડીઆરએફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં જશે.
ફોનીથી કોલકાત્તા એરપોર્ટ શનિવારે સવારે 6.00 વાગ્યા સુધી બંધ રહેશે. તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ રદ થઇ ગઇ છે. ફોની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વાવાઝોડાની અસરને કારણે રેલ વ્યવહાર ખોરવાતાં ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. ફોનીની તીવ્રતાને ધ્યાને લઇને અગમચેતી દાખવતાં તંત્ર દ્વારા દેશભરની 200થી વધુ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે.
ઓડિશા સરકારે જોકે સાવચેતીના ભાગરુપે રાહત અને બચાવની કામગીરી કરી હતી. ઓડિશામાં આવતીજતી બધી જ ફ્લાઇટ્સને રદ કરી દેવામાં આવી હતી જ્યારે આંધ્રપ્રદેશમાં પણ પ્રભાવિત વિસ્તારોમાં વાહનોની અવરજવર બંધ કરી દેવાઇ હતી. આ વાવાઝોડું હજુ પણ ઉત્તર દિશા તરફ આગળ વધતાં ભારતના આસામ સહિતના ઉત્તરપૂર્વીય વિસ્તારો અને નેપાલમાં પણ અસર જોવાઈ શકે છે.