જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોની આત્મહત્યા

જામનગર– નવા વર્ષની પરોઢ જામનગરના સાકરિયા પરિવાર માટે મોટા આઘાતના સમાચાર લઈને આવી હતી. જામનગરના કિસાનચોક વિસ્તારના મોદીવાડામાં રહેતાં સાકરિયા પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યાની ખબરે જામનગરવાસીઓના હૈંયા હચમચાવી નાંખ્યાં હતાં.

આત્મહત્યા કરનારમાં દંપતિ તેમ જ તેમના બંને બાળકોના મૃતદેહ એક જ બેડ પરથી મળી આવ્યાં હતાં. જ્યારે  માતાનો મૃતદેહ બીજા બેડ પરથી મળી આવ્યો હતો. તમામના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યાં હતાં. આ પરિવારમાં છ સભ્યો હતાં, તેમાંથી પાંચ સભ્યોના એકસાથે મોતના પગલે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય પન્નાલાલ- મૃતકના પિતા ઉપરના રૂમમાં ઊંઘી રહ્યાં હતાં તેઓ હવે આ પરિવારમાં માત્ર જીવંત બચ્યાં છે.અત્યંત દુઃખદ આ બનાવમાં એક જ પરિવાર, જેમાં પતિ દીપક સાકરિયા, પત્ની આરતી સાકરિયા, પુત્રી કુમકુમ, પુત્ર હેમંત અને દીપકભાઈના માતા જયાબહેન સાકરિયાએ ઝેરી દવા પીને મોતને વહાલું ગણ્યું હતું. મળતી ખબર પ્રમાણે પરિવાર મોટી આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હતો. જેના દબાવમાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલિસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સામૂહિક આપઘાતના બનાવની જાણકારી મળતાં વિસ્તારના લોકોના ટોળેટોળાં મૃતકોના ઘરબહાર આવી પહોંચ્યાં હતાં. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પાંચ પાંચ સભ્યોના મોત સાથે સંકળાયેલી આ ઘટનામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.