નવા વર્ષે જ કોલેજોના અધ્યાપકોને સરકારની ભેટ, 7માં પગાર પંચનો મળશે લાભ

0
1132

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોનું નવું વરસ સુધારી દીધું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. આ લાભ જાન્યુઆરી-2019ના ચૂકવાતા પગારમાં આપવાની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી.

અધ્યાપક મંડળના પ્રતિનિધીઓની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ત્રણ કલાક ચાલેલી બેઠક પછી અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ આપવાની રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સરકાર આગામી દિવસોમાં આ અંગે પરિપત્ર જાહેર કરશે.

રાજયના સાડા સાત હજાર અધ્યાપકોને તેનો લાભ મળશે. સરકાર પર રૂપિયા 400 કરોડનો બોજ પડશે નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરી કે, 1 જાન્યુઆરી, 2016થી સાતમા પગાર પંચનો અમલ થશે અને આ પગારથી અધ્યાપકોનો પગારમાં રૂપિયા 8 હજારથી 15 હજાર સુધીનો વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સાતમા પગાર પંચની રાહ જોવાતી હતી અને લડત પણ ચાલી રહી હતી. ત્યારે પ્રાધ્યાપકોની આતુરતાનો અંત આવ્યો છે અને 7500 અધ્યાપકો અને સ્ટાફને આ પગાર પંચનો લાભ મળશે.

7માં પગાર પંચના પ્રશ્ને પ્રાધ્યાપકોએ ચીમકી ઉચ્ચારી હતી.

અગાઉ પ્રાધ્યાપકો દ્વારા રાજ્ય કક્ષાએ આંદોલનની શરૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. માધ્યમિક શિક્ષકોમાં પણ સાતમા પગાર પંચના એરિયર્સ માટે વારંવાર રજૂઆતો થયા બાદ એરિયર્સ પાંચ ભાગમાં આપવામાં આવશે તેવી જાહેરાત સરકારમાંથી કરવામાં આવી હતી.