મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલની રથયાત્રા પર બાજ નજર

અમદાવાદઃ રાજ્યમાં આજે 145ની રથયાત્રા નીકળી છે, ત્યારે મુખ્ય પ્રધાને અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું.  ત્યાર બાદ મુખ્ય પ્રધાને નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ રાજ્યનાં નગરોમાં નીકળેલી રથયાત્રાઓનું નિરીક્ષણ CM ડેશબોર્ડની વિડિયો વોલ પરથી મોનિટરિંગ રસપૂર્વક જોઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન ભગવાન જગન્નાથજી,  ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા  યાત્રા રૂટ પર પોલિસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓને ઝીણવટપૂર્વક નિહાળી હતી.

આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમ વાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મીટર જેટલી ઊચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો સફળ પ્રયોગ કર્યો છે. હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઈ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી.

રાજ્ય પોલીસના જવાનો-કર્મચારીઓને આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તહેનાત છે, તેમને પણ પહેલી વાર ૨૫૦૦ જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે. તેની ગતિવિધિઓ પણ તેમણે નિહાળી હતી.

અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજવામાં આવી રહી છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી મુખ્ય પ્રધાને નિહાળ્યું હતું.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, CMના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  રાજકુમાર તેમ જ પોલીસ મહાનિર્દેશક  આશિષ ભાટિયા પણ આ નિરીક્ષણમાં જોડાયા હતા.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ, ભક્તો, સંતો માટે ભોજન-પ્રસાદ, પાણી અને પ્રાથમિક સારવાર વગેરેની જે સુવિધા કરવામાં આવી છે- એ અંગેની વિગતો જાણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.