ગાંધીનગર: ફેસબૂક પર મિત્રતા કેળવતા પહેલા ચેતવા જેવો અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફેસબૂક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આવીને પૈસા કમાવવાની લાલચમાં એક વ્યક્તિને 50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ઠગ ટોળકીની વાતોમાં આવી ગયેલા વિજયપ્રકાશને 10 હજારના ભાવે મળતા મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ સીડ્સનું એક પેકેટ 1.90 લાખમાં લીધું હતું. આવા 35 પેકેટ લેતા તેમને કુલ 50,68,425 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
મૂળ ઉત્તરપ્રદેશના અને ગાંધીનગર સેક્ટર-26 સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ (42 વર્ષ)એ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ ટોળકીએ ફરિયાદીએ ખરીદેલા પેકેટ અઢી ગણા ભાવે વેચી આપવાની લાલચ આપી હતી. જોકે, પૈસા મળતા જ તેઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. ફરિયાદી સેક્ટર-28 જીઆઈડીસી ખાતે કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિ. કંપનીમાં ઓડિટર તરીકે નોકરી કરે છે. છેતરપિંડી કરનારી નાઈજીરિયન ગેંગ હોવાની શંકા સેવાઈ રહી તો યુવતીનું એફબી એકાઉન્ટ પર ખોટું હોવાનું મનાય છે. આ અગાઉ પણ પાટનગરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવ બહાર આવ્યા હતા અને હવે ફરી ડબલથી વધુ નાણાં મેળવવાની લ્હાયમાં યુવકે 50 લાખ ગુમાવ્યા છે.
ડિસેમ્બર-2018માં ફરિયાદીના ફેસબુક પર એમીલી જોન્સનની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફરિયાદીએ સ્વીકારતાં ફેસબુક પર વાતચીત શરૂ થઈ હતી. એમીલીએ તે યુકે ખાતે સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેઝ મેનેજર હોવાનું કહ્યું હતું. ભાગીદારીમાં મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ ઓછા ભાવે ખરીદી પોતાની જ કંપનીમાં ઊંચા ભાવે વેચવાની લાલચ આપી હતી.
યુવતીએ વિજયપ્રકાશને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખમાં વેચવાનું કહ્યું હતું. જેથી તેના કહેવાથી તેણે કંપનીના મેઈલ પર કોટેસન મોકલાવતાં કંપનીના ડિરેક્ટર મીસ્ટર ડેવીડ ટામ નામથી કોટેસન સ્વીકારતો મેઈલ આવ્યો. યુવતીએ આપેલા નંબર પર ફોન કરતાં સંદીપ હુડા નામથી શખ્સે 400 ગ્રામના સીડ્સનું પેકેટ 1.90ના ભાવે આપવાની વાત કરી હતી.
સેમ્પલ પાસ કર્યા બાદ ઓર્ડરની વાત કરી ફરિયાદીને બેંગલુરુ બોલાવ્યા હતા. જ્યાં મેક્સ જેસી હુગો સેમ્પલના બે પેકેટ લઈ ગયો હતો. ફરિયાદીને ફોન કરીને સેમ્પલ યોગ્ય હોવાનું કહીંને 25 પેકેટનો ઓર્ડર આપ્યો હતો. 25 પેકેટ ખરીદી ફરિયાદીએ કંપનીનો સંપર્ક કરતાં 35 પેકેટ તૈયાર રાખવાનું કીધું હતું.
ફરિયાદીએ 35 પેકેટ લઈને કંપનીનો સંપર્ક કરતાં 45 પેકેટ આપવાની વાત કરતાં તેમને શંકા ગઈ હતી. જેથી તપાસ કરતાં પોતે 1.90 લાખમાં લીધેલું પેકેટ ખરેખર 10 હજારમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ સંદીપ હુડાને પેકેટ પરત લઈ લેવાનું કહેતાં તમામ લોકોએ સંપર્ક બંધ કરી દીધો હતો.
સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનો સંપર્ક કરનારા એમીલી જોન્સન, સંદીપ હુડા, ડેવીટ ટામ, મેક્સી જેસી હુગો તથા જે-જે ખાતામાં તેઓએ પૈસા ભર્યા છે તે ડી.પી.એન્ટરપ્રાઈઝ, પ્રિયંકા ટ્રેડર્સ કંપની, સુખઈ ભારદ્વાજ, શ્રી એન્ટરપ્રાઈઝ, મુકેશ સેન સહિત અન્ય સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.