અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મનપા દ્વારા પોતાના મકાનથી વંચિત લોકોને છત મળી રહે એવા પ્રયાસ થઇ રહ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં વ્યાજબી ભાવે સારા મકાનોનું બાંધકામ કરવા પ્રયત્ન થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં ડ્રો દ્વારા મકાનો ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ જયારે EWS ના મકાનો માટેની જાહેરાત પડતાની સાથે જ હજારો લોકો મકાન માટે પોતાનું નસીબ અજમાવવા ભર તડકે ફોર્મ લેવા કતારોમાં ઉભા રહી જાય છે.
મકાનો માટેની આ કતારોથી વધતી વસ્તી , શહેરમાં વસવાટની ઘેલછા અને હજુ પણ અનેક પરિવારો મકાન વિહોણા છે , એમ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. મહત્વનું છે સરકાર દ્વારા અત્યારે ઉત્કૃષ્ઠ પ્રકારના મકાનો બનાવાઈ રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વ્યાજબી ભાવે મકાન લેવા ઈચ્છતા હોય છે. વર્તમાન સરકાર દ્વારા જે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે તે ઉચ્ચ કક્ષાનું બાંધકામ, લાઈટ, પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ અને સ્વચ્છતાથી સજ્જ છે. અને એટલા માટે જ અત્યારે લોકો આ મકાન લેવા માટેનો ખૂબ આગ્રહ રાખતા હોય છે.