મકાઈના પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવઃ ખેડુતો કરી શકે છે આ ઉપાય…

ગાંધીનગર– ગુજરાતમાં ખેડુતોના પાકમાં જોવા મળતી ઈયળે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી છે. ત્યારે આ લશ્કરી ઇયળ-જીવાતને ખેડૂતો ઓળખે અને તેના નિયંત્રણ માટે ગંભીર બની યોગ્ય પગલાં ભરવા જોઇએ. ટપકાંવાળી લશ્કરી ઇયળ મુખ્યત્વે મકાઇના પાક પર જોવા મળે છે. કર્ણાટકમાં વર્ષ ૨૦૧૮માં મકાઇના પાકમાં આ જીવાતની હાજરી જોવા મળી છે.

ખેતીવાડી ખાતા અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા ગુજરાતમાં પણ આ જીવાતની હાજરી અંગે સર્વે હાથ ધરતાં ગુજરાતમાં પણ મકાઇ પાકમાં આ ઇયળની હાજરી જોવા મળી છે. આ જીવાત રાજ્યમાં નવી દાખલ થઇ છે, જેની પ્રજનન શક્તિ વધારે છે. નવી જીવાત હોઇ તેનો ઉપદ્રવ વધે તે પહેલાં તેની સામે નિયંત્રણના પગલા ભરવા ખેડૂત મિત્રોને ખેતી નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતી નિયામકે આ મામલે જણાવ્યું કે, આ ઇયળ સામાન્ય રીતે ઘાટા બદામી રંગની હોય છે માથું કાળા રંગનું હોય છે, તેના માથા ઉપર સફેદ રંગનો અંગ્રેજીમાં ‘Y’ આકારનો માર્ક જોવા મળે છે તથા ઇયળની પુંછડી ઉપર છેલ્લાથી આગળના ભાગમાં ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકા જોવા મળે છે.  ઉપરાંત ઇયળના ઈંડા મકાઇના પાંદડાના નીચે અથવા પાંદડા ઉપર અથવા થડ ઉપરના જથ્થામાં જોવા મળે છે. જેના ઉપર સફેદ રૂવાંટી જેવું આવરણ જોવા મળે છે. આ ઇયળ ખૂબજ ખાઉધરી તથા છોડના ડૂંડા સહિતના તમામ ભાગોને નુકશાન કરી મકાઇના પાકને નુકશાન કરે છે. આ ઇયળનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં ન ફેલાય તે માટે તેની ઓળખ કરી, જો તેની હાજરી જોવા મળે તો તેના નિયંત્રણ માટે તાત્કાલીક પગલાં ભરવા ખડુતોને જાણ કરવામાં આવી છે.

ઈયળોનો નાશ કરવા શું કરવું

હેકટરે એક પ્રકાશ પિંજર ગોઠવવા, ઇંડાના સમુહ અને જુદી-જુદી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી એકત્ર કરી કીટકનાશકના દ્રાવણમાં ડૂબાડી નાશ કરવો. ઉપદ્રવ જણાય તો બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર ૨૦ ગ્રામ અથવા બેવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીમડાનું તેલ ૩૦ મીલી + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટકનાશક એઝાડીરેક્ટીન- ૧૫૦૦ પીપીએમ ૪૦ મીલી પૈકીની કોઇ પણ એક જૈવિક/વનસ્પતિ જન્ય દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી, આખો છોડ તેમજ ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો.

આ ઉપરાંત જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળેતો રાસાયણિક દવાઓ જેવીકે કલોરોપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મીલી અથવા સ્પીનોસાડ ૪૫SC ૩ મીલી અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મીલી પૈકીની કોઇ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડ તેમજ ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડિયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો તેમ પણ ખેતી નિયામકે ઉમેર્યુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]