ભાવનગરમાં રોગચાળો વકર્યો, દોઢ માસમાં 4,293 પાણીજન્ય રોગના કેસ નોંધાયા

ભાવનગર : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે વધતા વરસાદના કહેર સાથે રાજ્યમાં રોગચાળો પણ વધી રહ્યો છે. શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વધ્યો છે અને છેલ્લા દોઢ માસમાં 4293 પાણીજન્ય રોગ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અટકાવવા મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી.

ye
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે તેથી મોન્સુન એકટીવી અંતર્ગત ફીલ્ડમાં ઘરે ઘરે જઈને પાણીજન્ય અને વાહક જન્ય રોગોના નિયંત્રણની કામગીરી કરી લોકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે સઘન સર્વેલન્સ હાથ ધરી કામગીરી કરાવવામાં આવી હતી. જે અંતર્ગત તમામ શહેરી વિસ્તારને આવરી લેવાય તે મુજબનું આયોજન કરી છેલ્લા દોઢ માસ દરમિયાન આરોગ્યની કુલ 4840 ટીમ દ્વારા કુલ 69398 ઘરની મુલાકાત લઇને 346986 વસતીમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી, જેમાં ઝાડાના 706 કેસ, ઝાડા-ઉલ્ટીના 168 કેસ, શરદી-ખાંસીના 1810 કેસ અને તાવના 1609 કેસ નોંધાયા હતાં. આ વિસ્તારમાં ઘરે-ઘરે ઓઆરએસના કુલ 16863 અને કલોરીનની ટેબ્લેટ કુલ 54638 નું વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા આરસી ટેસ્ટ કુલ 5454 કરવામાં આવ્યા હતા, જેમાંથી પોઝીટીવ આરસી ટેસ્ટ કુલ 5442 અને નેગેટીવ આરસી ટેસ્ટ કુલ 12 જોવા મળ્યા હતાં. નેગેટીવ આરસી ટેસ્ટ આવેલ વિસ્તારના ઘરોમાંથી પાણીના સેમ્પલનું કલેકશન કરીને માઇક્રોબાયોલોજી વિભાગમાં ટેસ્ટીંગ અર્થે નમુના મોકલવામાં આવ્યા હતાં. પાણીજન્ય અને વાહક જન્ય રોગોની જનજાગૃતિ અર્થે તથા આ રોગની વિસ્તૃત માહિતી માટે ઘરે ઘરે જઈને આઈઇસી દ્વારા રોગોના લક્ષણો શું છે અને રોગોથી બચવા શું શું તકેદારીઓ રાખવી અને સારવાર અર્થેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તથા જરૂર જણાયે નજીકના પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે તેમ ભાવનગર મહાપાલિકાના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થે જણાવેલ છે. પાણીજન્ય અને વાહક જન્ય રોગોના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે.