અમદાવાદ- લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સમગ્ર દેશમાં શરુ થઈ છે. વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા માટે જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં સૌથી અગત્યનું છે મતદાન… અને આ મતદાન પ્રક્રિયામાં વપરાતી અથવા જરૂરી ટાંકણીથી માંડી પેન, શાહીથી માંડી મીણબત્તી જેવી 130 પ્રકારની વસ્તુઓ-સામગ્રી મતદાન મથકે પહોંચે ત્યારે ચૂંટણીનું આ મહાપર્વ સુવ્યવસ્થિત રીતથી સંપન્ન થાય…
મતદાન મથકે આ બધી સામગ્રી સુવ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ ખૂબ ઝીણવટભર્યું અને મહેનત માગી લે તેવું છે. આમાંથી એક પણ વસ્તુ ન હોય કે ઓછી હોય તો મતદાનની કામગીરી સંપન્ન ન થઈ શકે..એક જાગૃત મતદાર તરીકે આપણે મતદાન મથકે જઈને મતદાનની આપણી ફરજ અદા કરી શકીએ તે માટે ચૂંટણી તંત્ર કેટલી તકેદારી રાખે છે તે જાણીને આશ્ચર્ય થાય તેમ છે.
ભૂતકાળમાં કાપલીઓ તથા પતરાના ડબ્બાઓવાળી ચૂંટણીઓ આપણે જોઇ છે. પરંતુ વધતાં ટેકનોલોજીકલ જ્ઞાનને પરિણામે આજે ઇ.વી.એમથી ચૂંટણી સર્વવ્યાપક બની છે. ડિજિટલ યુગમાં હવે બધી જગ્યાએ પેપરલેસ કામગીરીને આવકાર મળી રહ્યો છે. લોકો ડિજિટલ વ્યવહારને હવે આચરણમાં મૂકે તે દિશા ટેકનોલોજીએ બતાવી છે ત્યારે ડિજિટલ ટેકનોલોજીથી સંપન્ન ઇ.વી.એમ.થી ચૂંટણી આવકારદાયક છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇ.વી.એમ.માં આપણો મત પડે અને તે મશીન સ્ટોંગ રૂમમાં સચવાય અને મત ગણતરી સ્થળે આ ઈ.વી.એમ પહોંચે ત્યાં સુધીની આખી પ્રક્રિયા માટે વિવિધ કવરો, પીન, પેન, રબરબેન્ડ, ચોક, પેન્સિલ, મીણબત્તી, લાખ, સૂતળી જેવી ૧૩૦ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે. તેમાં વૈધાનિક અને બિનવૈધાનિક પ્રકારના કુલ ૪૨ પ્રકારના ફોર્મ સિવાય મતકુટીરની રચના, દિશાદર્શન કરતા બોર્ડ, અવિલોપ્ય શાહી, કાર્બનપેપર, વિવિધ કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ-કર્મચારીઓના ઓળખકાર્ડ જેવી અનેક પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ ચૂંટણી દરમિયાન થાય છે.
આ સિવાય મતદારયાદી, વિવિધ એકરારનામા, એજન્ટોના પાસ, મોકપોલનું પ્રમાણપત્ર, પ્રિસાઇડીંગ તથા ઝોનલ ઓફીસ્રર માટેના વિવિધ ફોર્મ અને પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીમાં આટલી બધી ચીવટ અને તકેદારી પછી પણ આપણે મતદાન કરવા ન જઈએ તે યોગ્ય નથી.. એટલે જ મતદાન અવશ્ય કરવું જોઈએ…