લોકોને છેતરતી 10 કંપનીઓ સામે લેવાયેલાં પગલાંઓની સમીક્ષા, નામજોગ…

ગાંધીનગર– લોભલાલચ આપતી સ્કીમો મૂકીને લોકો પાસેથી છેતરપિંડીના હેતુથી નાણાં ઉઘરાવતી કંપનીઓની સચ્ચાઈ બહાર આવે ત્યાં સુધીમાં ઠગાઈ થઈ ચૂકી હોય છે. ત્યારે નાગરિકોએ આવા પ્રકારની કંપનીઓથી બચવા ખાસ અપીલ કરવામાં આવી હતી.

૩૬મી સ્ટેટ લેવલ કો-ઓર્ડિનેટર કમિટીની બેઠક મળી હતી જેમાં જાતજાતની લોભામણી જાહેરાત અને પ્રલોભનોથી રાજ્યની ભોળી પ્રજા પાસેથી રોકાણના બહાને પૈસા પડાવતી જુદીજુદી કંપનીઓ સામે લેવાયેલા પગલાંની સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચીવ અરવિંદ અગ્રવાલે એકના ડબલ કરવાના પ્રલોભનો આપીને લોકોને નાણાં રોકાણ માટે આકર્ષીને લોકોએ રોકેલા નાણાં પડાવતી અને છેતરપિંડી કરતી આવી લેભાગુ કંપનીઓથી દૂર રહેવા રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો..

આ મીટીંગમાં રીઝર્વ બેન્કના રીજીનલ ડીરેક્ટર  જે.કે.દાસે આવી કંપનીઓ – પેઢીઓની ભાળ મળે તો લોકોએ તે પોલિસને કે રીઝર્વ બેન્કને તાત્કાલિક જાણ કરવા પણ જણાવ્યું છે.

આ બેઠકમાં રોકાણ સામે મોટું વળતર આપવા હથેળીમાં ચાંદ બતાવતી આદર્શ ક્રેડિટ કો-ઓપ સોસાયટી લિ., મૈડોસ પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર્સ  પ્રા.લિ, એમઆરએમ કંપની,  એસએસવીવી બ્રિન્ઝોટા ઇન્ડિયા લિ., સ્પીતા ઇન્ડિયા લેન્ડ પ્રોજેક્ટ લિ., સિદ્ધિ એન્ટરપ્રાઇઝ, ધનલક્ષ્મી પ્રાઇઝ સ્કીમ, જીવનસેવા કંપની પ્રા.લિ. ફિનોમેનલ હેલ્થ કેર સર્વિસ લિ. અને વેજલપોર પીપલ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી જેવી લેભાગુ કંપનીઓ સામે થઇ રહેલી કાર્યવાહીની સમીક્ષા કરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આવી કંપનીઓ સામે ૫૧ કેસ કરવામાં આવ્યા છે. ધી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અને પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ હેઠળ આ બેઠકમાં સીઆઇડીના ડી.જી.પી.  આશિષ ભાટિયા, નાણા વિભાગના સચીવ  મિલિન્દ તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]