ધુળેટી પર વાઇરસનું ગ્રહણઃ પોલીસ-કોર્પોરેશન કાર્યવાહી કરશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. કોરોના વાઇરસ તહેવારોની રોનક ઝાંખી પાડી રહ્યો છે. કોરોના વાઇરસને પગલે આ વખતે ધુળેટીના તહેવારની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.

રાજ્ય સહિત કોરોના કેસોમાં ઉછાળો આવતાં સરકારે ધુળેટીનો તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ કમિશનરના જાહેરનામા અને અમદાવાદ કોર્પોરેશનની માર્ગદર્શિકાનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ શહેરમાં ધુળેટી ઊજવનાર સામે કડક કાર્યવાહી કરવા સવારથી જ અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ માટે કોર્પોરેશનની ટીમો નીકળી છે. અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો એસજી હાઇવે પર કર્ણાવતી કલબ, જમાલપુર જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મણિનગર રામજી મંદિર, વસ્ત્રાપુર સુરેલ એપાર્ટમેન્ટ, ખોખરા કમલ સોસાયટી અને અનેક સ્થળોએ તપાસ કરી રહી છે.

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે  જો કોઈ સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમ જ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આજે પોલીસ અને કોર્પોરેશનની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે. સોશિયલ મિડિયા કે મિડિયાના માધ્યમથી જો લોકો ધુળેટી ઉજવણી કરતાં જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]