અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમીએ પોતાનું જોર વધાર્યું છે. દિવસેને દિવસે ગરમીનો પારો ઉપર ચડતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઉંચુ હતું. રાજ્યના 10 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું, જેના કારણે લોકોને ગરમીનો ભારે અનુભવ થયો.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગઈકાલે અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી, રાજકોટમાં 43.0 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, ભુજમાં 40.2 ડિગ્રી, કેશોદમાં 40.0 ડિગ્રી, નલિયામાં 39.8 ડિગ્રી, પોરબંદરમાં 37.2 ડિગ્રી, મહુવામાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું, જેના કારણે ગરમીની સ્થિતિ તીવ્ર રહી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 11 એપ્રિલથી ગુજરાત અને મધ્યપ્રદેશમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આ રાહત ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં પણ જોવા મળશે. જોકે, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 14 અને 15 એપ્રિલે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગરમીની નવી લહેર શરૂ થઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી ગરમ અને શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
