અમદાવાદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ની અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ITS)ના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રા પ્રતિષ્ઠિત ‘રેની અબ્રાહમ એવોર્ડ’ 2021 માટે પસંદગી કરવામાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા આ મહિનાના અંતમાં ચેન્નઈમાં આયોજિત કાર્યક્રમમાં તેમને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
વર્ષ 1993માં તામિલનાડુ કિડની રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ એવોર્ડ દર વર્ષે ડોક્ટરો દ્વારા કિડની રોગથી પીડિત વંચિત લોકો માટે સારવાર માટે પ્રયાસોના ભાગરૂપે આપવામાં આવે છે. ડો. મિશ્રા કિડનીની બીમારીથી પીડાતા હજારો દર્દીઓની સહાયમાં અગ્રેસર રહ્યા છે. IKDRC સાથેની 30 વર્ષની કારકિર્દીમાં ડો. મિશ્રા રેનલ કેર ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીને કેન્દ્રમાં રાખીને સારવાર કરે છે.
બીજે મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. મિશ્રા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, આરોગ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, અગ્ર સચિવ જયંતી રવિ અને હેલ્થ કમિશનર જેવી શિવ્હારેના માર્ગદર્શન હેઠળ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP)ના માધ્યમથી રાજ્યના દરેક ક્રોનિક કિડની ડિસીઝ (CKD) દર્દીને ગુણવત્તાયુક્ત ડાયાલિસિસની ખાતરી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.